તા.૧૩/૦૫/૨૦૧૮ને રવિવારનાં રોજ ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રાર્થના હોલમાં ‘સંસ્થા સિંચનનાં સુવાસિત પુષ્પો’ શીર્ષક હેઠળ એક વિશિષ્ટ અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શેહરનાં ૩૫ જેટલા વાણિજ્ય એકમો તથા સેવાનિષ્ઠ મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રજ્ઞાચક્ષુ દીકરી જ્યોતીષા પરમારની પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સન્માનીતોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના માનદ્ મંત્રી મહેશભાઈ પાઠકે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સંચાલક લાભુભાઈ સોનાણીએ કાર્યક્રમનો હેતુ સમજાવતા, સંસ્થાના ઈતિહાસ વિષે માહિતી આપી હતી. તેઓ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનાં સર્વાંગી વિકાસ માટે આઝાદી પૂર્વે વર્ષ ૧૯૩૨ થી કાર્યરત રાજ્યની આ એકમાત્ર સંસ્થા છે અને સંસ્થાઓનો અત્યારનો ઈતિહાસ ખુબ જ ગૌરવશાળી રહ્યો છે. સંસ્થાએ વર્ષ ૧૯૩૨થી પ્રારંભ કરેલ વિકાસયાત્રામાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બનવું, રાજ્યના ગવર્નરની મુલાકાત, રાજ્યની શ્રેષ્ઠ શાળાનું સંન્માન પ્રાપ્ત કરવું અને ઘણા વર્ષોથી સતત એચ.એસ.સી. અને એસ.એસ.સી. બોર્ડ સહીત સંસ્થાના જુદા જુદા વિભાગોમાં ૧૦૦ % શ્રેષ્ઠ પરિણામ હાસલ કરવા જેવી અનેકો ઉચ્ચ સિધ્ધિઓ હાસલ કરેલ છે. માટે જ ઉપરોક્ત સિદ્ધિ અને સંસ્થાની વિકાસયાત્રામાં સંપૂર્ણરૂપે સહયોગી બનનાર વાણીજ્ય એકમો અને સેવાનિષ્ઠ મહાનુભાવોની સેવાને બિરદાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું. સન્માનીતોએ અભિપ્રાયરૂપે સંસ્થા ઉત્તરોતર પ્રગતિ સાધે અને ભાવેણાનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધારે તેવી શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમનાં અંતમાં સહયોગી સંસ્થા એન.એ.બી. ભાવનગર જિલ્લા શાખાના ટ્રસ્ટી ભાવેશભાઈ ગાંધીએ સન્માનીતોનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે કાર્યક્રમનું સંચાલન નીતાબેન રૈયાએ કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયા, સંસ્થાના કર્મચારીઓ, સન્માનીતો, હર્ષકાન્તભાઈ રાખશિયા, પંકજભાઈ એન. ત્રિવેદી, ભાવેશભાઈ વાઘેલા અને નીલાબેન એલ. સોનાણી સહીતનાં ટ્રસ્ટીઓ તથા ભગીની સંસ્થાનાં આમંત્રિત ટ્રસ્ટીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.