રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર : મહાત્મા ગાંધી અને ગોડસેનું ઉદાહરણ આપીને રાહુલ ગાંધીએ સમજાવ્યો હિન્દુ અને હિન્દુત્વવાદીનો તફાવત
જયપુર, તા.૧૨
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જયપુરમાં મોંઘવારી હટાવો રેલીને સંબોધિત કરતાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ રેલી મોંઘવારી બાબતે, બેરોજગારી બાબતે સામાન્ય જનતાની જે પીડા છે તેના વિષે છે. આજે દેશની જે સ્થિતિ છે તે આપણે સૌ જોઈ શકીએ છીએ. આવી સ્થિતિ પહેલા ક્યારેય નથી આવી. સમગ્ર ધ્યાન દેશના ચાર-પાંચ મૂડીવાદીઓ પર છે. તમામ સંસ્થાનો એક સંગઠનના હાથમાં છે. મંત્રીના ઓફિસમાં આરએસએસના લોકો છે, દેશ જનતા દ્વારા નથી ચાલી રહ્યો. દેશને ૩-૪ મૂડીવાદીઓ ચલાવી રહ્યા છે. આપણા વડાપ્રધાન તેમના માટે કામ કરી રહ્યા છે. નોટબંધી થઈ, જીએસટી આવ્યું, કાળા કાયદા લાવવામાં આવ્યા અને કોરોના સમયે દેશની જનતાની સ્થિતિ આપણે જોઈ. હું આજે તમારી સમક્ષ એક બીજી વાત કરવા માંગુ છું. દેશની સામે કયું યુદ્ધ છે, યુદ્ધ કઈ વિચારધારાઓ વચ્ચે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તમે જાણો છો કે બે લોકોમાં એક આત્મા નથી હોઈ શકતી. એજ પ્રકારે બે શબ્દોનો એક અર્થ પણ નથી હોઈ શકતો. દેશની રાજનીતિમાં આજે બે શબ્દોની ટક્કર છે, પહેલો શબ્દ છે હિન્દુ અને બીજો શબ્દ છે હિન્દુત્વવાદી. બન્ને શબ્દો અલગ છે. હું હિંદુ છું, પરંતુ હિન્દુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિન્દુ હતા, ગોડસે હિન્દુત્વવાદી હતો. બસ આ જ ફરક છે. હિન્દુ સત્યની શોધ કરે છે. હિન્દુ આખું જીવન સત્યની શોધમાં પસાર કરે છે. મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ છે સત્યના પ્રયોગો, જેનો અર્થ છે તેમણે આખું જીવન સત્યની શોધમાં પસાર કર્યું. પરંતુ અંતમાં એક હિન્દુત્વવાદીએ તેમને ત્રણ ગોળીઓ મારી. હિન્દુત્વવાદી આખું જીવન સત્તાની શોધમાં પસાર કરે છે. તેમને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી હોતી. તે સત્તા માટે કોઈને મારશે, સળગાવશે, કાપશે. તે સત્યાગ્રહનો રસ્તો નહીં અપનાવે. હિન્દુ પોતાના ડરનો સામનો કરે છે. તે એક ઈંચ પણ પાછો નથી ફરતો. હિન્દુત્વવાદી ડરની સામે હારી જાય છે હિન્દુ કોણ છે, જે તમામ લોકોને આવકારે છે, કોઈનાથી ડરતા નથી. તમે રામાણય, ગીતા, ઉપનિષદ કોઈ પણ ધર્મગ્રંથ વાંચો, ક્યાં લખ્યું છે કે કોઈ ગરીબ સાથે હિંસા કરો, તેને કચડી કાઢો. ગીતામાં લખ્યું છે કે સત્ય માટે યુદ્ધ કરો. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે, પોતાના ભાઈઓ સાથે સત્ય માટે લડો, તેમણે ક્યારેય નથી કહ્યું કે સત્તા માટે લડો. આ પહેલા પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું, હું એવા લોકોને મળીને આવી છું, જેમના પરિવારના લોકોને આ સરકારના મંત્રીના દીકરાએ કચડ્યા છે. તેમનુ કહેવુ હતું કે, અમારા દીકરાઓના હત્યારાઓ સાથે વડાપ્રધાન મંચ શેર કરે છે. આ સરકાર જનતાની ભલાઈ નથી ઈચ્છતી. તે તમારા માટે કામ નથી કરતી. તે કોના માટે કામ કરી રહ્યા છે? આ સરકાર અમુક ગણતરીના લોકો માટે કામ કરી રહી છે.