સંસ્થા દ્વારા 25 અદ્યતન લેપટોપ સાથે બુક્સ, સીડી, હેન્ડસફ્રી, ઈન્ટરનેટ જોડાણ માટે પ્રિપેઈડ ડોંગલ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યાં
પી.એન.આર. સોસાયટી સંચાલિત એટી & ટી ટેક્નોલોજી પાર્ક એન્ડ ઈન્સ્ટિટ્યુટ જે દિવ્યાંગ યુવક-યુવતીઓને તદન ફ્રીમાં કોમ્પ્યુટર ટ્રેનિંગ આપે છે, તેના દ્વારા વર્તમાન સમયને અનુલક્ષીને, દિવ્યાંગજનોને ઘરેબેઠાં અનુકુળ રહે તે માટે વિના મૂલ્યે કોમ્પ્યુટર વિતરણ, તેમજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઓનલાઇન બેઝિક કમ્પ્યુટર ફંડામેન્ટલ કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો, તળાજા તાલુકાના 25 જેટલા દિવ્યાંગ ભાઈઓ-બહેનોને ઓનલાઈન કોમ્પ્યુટર તાલીમ અર્થે સંસ્થા દ્વારા 25 અદ્યતન લેપટોપ સાથે બુક્સ, સીડી, હેન્ડસફ્રી, તેમજ ઈન્ટરનેટ જોડાણ માટે પ્રિપેઈડ ડોંગલ જેવાં સંસાધનો નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યાં.
આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થા ખાતે તે જ દિવસે વિદ્યાર્થી, તેમજ તેમના વાલી સાથે મીટિંગ કરી ઘરેબેઠાં ઓનલાઈન કોમ્પ્યુટર તાલીમ પધ્ધતિ અંગેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, કોવિડ-19 માર્ગદર્શિકા પૂર્ણ રીતે ધ્યાનમાં લઈને આ કાર્યક્રમ સંસ્થાના હોદેદારોએ પારસભાઈ શાહ, કિરીટભાઇ રાઠોડ તથા હર્ષકાંતભાઈ રાખશિયા, સુકેતુભાઈ, બુધેલિયા મેહુલભાઈ, રાજનીકાંતભાઈ અને સંજયભાઈ ની ઉપસ્થિતિમાં સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.