ભાવનગર સિવિલ-ક્રિમીનલ બાર એસો.ની તા.૧૭ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે

98

પ્રમુખપદ માટે સંજય ત્રિવેદી અને ગીતાબા જાડેજા વચ્ચે સીધી ટક્કર
ભાવનગર બાર એસોસીએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી આગામી તા.૧૭-૧૨ ને શુક્રવારે સવારે ૧૦ઃ૩૦ થી બપોરના ૩ વાગ્યા સુધી બાર એસો.ના હોલ ખાતે યોજાશે. કુલ ૬૨૩ જેટલા સિનીયર અને જુનિયર વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાવનગર બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે સિનીયર એડવોકેટ સંજયભાઇ ત્રિવેદી અને ગીતાબા જાડેજા વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સંજયભાઇ ત્રિવેદી સતત સાત વખત પ્રમુખ પદે ચૂંટાયેલા છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે હિતેશભાઇ શાહ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. તે જ રીતે ખજાનચી પદ માટે નિકુંજભાઇ મહેતા અને કલ્પેશભાઇ વ્યાસ પણ બિનહરીફ ચૂંટાયેલા છે. જ્યારે ખજાનચી પદ માટે અમીતભાઇ જાની અને ચંદ્રસિંહ રાણા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જ્યારે કારોબારી સમિતિના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી તરીકે જે.ડી. સરવૈયા (સિનીયર એડવોકેટ) સેવા આપી રહ્યા છે.
ભાવનગર ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી પણ આગામી તા.૧૭-૧૨ ને શુક્રવારે યોજાશે. જેમાં પ્રમુખ પદ માટે ધર્મેન્દ્રભાઇ ડાભી, શિવભદ્રસિંહ ગોહિલ (શિવુભા) અને રાજેન્દ્ર ચૌહાણ વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે મુર્દગરાજસિંહ ચુડાસમા, અનીલસિંહ જાડેજા, પરશોતમભાઇ મકવાણા અને મુકેશ સોજીત્રા વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે મંત્રી પદ માટે અશોકકુમાર મકવાણા, ઇશ્વરભાઇ ચૌહાણ, કિશનભાઇ મેર અને યુવરાજસિંહ સોલંકી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જ્યારે ખજાનચી પદ માટે અજયસિંહ ચુડાસમા, જીનલ શાહ, જગદીશ મકવાણા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. આ ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે સિનીયર એડવોકેટ એ.ડી. જોષી સેવા આપી રહ્યા છે. જ્યારે કારોબારી સમિતિના ચાર સભ્યો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.

Previous articleભાવનગરના ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત, 3ને બચાવાયા
Next articleભાવનગર જિલ્લામાં આજે નવો એકપણ કેસ ન આવતા રાહત