અનરિઝર્વ્ડ ટીકીટ (જનરલ ટિકિટ) લેતા મુસાફરોની મુશ્કેલીઓ ઘટાડવા અને મુસાફરોને વધારાની સગવડતા આપવા પશ્ચિમ રેલ્વેના ભાવનગર રેલ્વે ડિવીઝને વેરાવળ સ્ટેશન પર ઓટોમેટીક ટીકીટ વેન્ડીંગ મશીન (એટીવીએમ)ની સુવિધા પુરી પાડી છે. આ સુવિધા સૌપ્રથમ ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ રેલ્વે સ્ટેશન પર શરૂ કરવામાં આવી હતી. આ રીતે ભાવનગર અને વેરાવળના મુસાફરોને આ સુવિધા મળવા લાગી છે. ભાવનગર ટર્મિનસ અને વેરાવળ સ્ટેશન પર એટીવીએમ મશીનો રેલવે મુસાફરોની જરૂરિયાતો અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને સ્થાપિત કરવામાં આવ્યા છે, ખાસ કરીને જેઓ અનરિઝર્વ્ડ ટિકિટો સાથે દરરોજ દૂર, નજીક અથવા મધ્યમ અંતરની મુસાફરી કરે છે. હવે મુસાફરો એટીવીએમમાંથી ટિકિટ મેળવી રહ્યા છે. જો કે ટિકિટ બારી પરથી પહેલાની જેમ ટિકિટ મળતી રહેશે, પરંતુ મુસાફરોની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આ વધારાની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.
આ રીતે ટિકિટ મળશે
છ્ફસ્ મશીનનો ઉપયોગ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. આ માટે રેલવે મુસાફરોને કાર્ડ આપશે. આ કાર્ડને એટીવીએમના સેન્સર પર મૂકવાનું રહેશે, ત્યારબાદ ભાષા અને ઝોન પસંદ કર્યા પછી, મુસાફરોએ ગંતવ્ય સ્થાન, માર્ગ અને વર્ગ પસંદ કરવાનો રહેશે. આ પછી, સિંગલ રિટર્ન અને બાળક, પુખ્ત વયના વિકલ્પનો ઉપયોગ કરીને ટિકિટનો નંબર દાખલ કરવો પડશે. પ્રિન્ટેડ ટિકિટ પળવારમાં મુસાફરોની સામે આવી જશે.