ચાર ધામ રોડ પ્રોજેક્ટને સુપ્રીમની લીલી ઝંડી

94

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના : ઓલ વેધર હાઈવે પ્રોજેક્ટના ભાગરુપે રસ્તાની પહોળાઈ વધારવા માટે તેમજ ડબલ લેન હાઈવે બનાવવા માટે કેન્દ્ર સરકારને લીલી ઝંડી આપી દીધી
નવીદિલ્હી,તા.૧૪
ઉત્તરાખંડમાં કેન્દ્રના ચાર ધામ રોડ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને ચાર ધામ રોડ પ્રોજેક્ટ માટે ત્રણ ડબલ-લેન હાઇવે બનાવવાની મંજૂરી આપી છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે અગાઉ ઈન્ડો ચાઈના બોર્ડર તરફ જતા રસ્તાને પહોળો કરવાની માંગ કરી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું, “તાજેતરમાં સરહદો પર સુરક્ષાને લઈને ગંભીર પડકારો સામે આવ્યા છે. આ અદાલત સશસ્ત્ર દળોની માળખાકીય જરૂરિયાતોનું બીજું અનુમાન લગાવી શકતી નથી. શીર્ષ અદાલતે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એકે સીકરીના નેતૃત્વમાં એક સમિતિની રચના પણ કરી છે, જે તે સુનિશ્વિત કરશે કે પર્યાવરણના હિતમાં તમામ ઉપચારાત્મક ઉપાય કરવામાં આવે અને પ્રોજેક્ટ સાથે આગળ વધતી વખતે સમિતિની ભલામણોનો અમલ કરવામાં આવે. મોનિટરિંગ કમિટીને સંરક્ષણ મંત્રાલય, માર્ગ પરિવહન મંત્રાલય, ઉત્તરાખંડ સરકાર અને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી સંપૂર્ણ સહકાર મળશે.
કેન્દ્રએ અગાઉ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ચારધામ હાઈવે પ્રોજેક્ટમાં રસ્તા પહોળા કરવાની જરૂર છે. આ હાઇવે ચીનની સરહદ સુધી જાય છે અને ત્યાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ કરવું જરૂરી છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ૯૦૦ કિલોમીટર લાંબા ચારધામ હાઇવે પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના ચાર યાત્રાધામ નગરોને દરેક મોસમમાં સંપર્ક પ્રદાન કરવાનો છે. બિન-સરકારી સંસ્થા (એનજીઓ) સિટીઝન્સ ફોર ગ્રીન દૂને રસ્તાને ડબલ લેન બનાવવા માટે ૧૦ મીટર પહોળો કરવાને પડકાર્યો હતો. કોર્ટે દેશની સંરક્ષણ જરૂરિયાતોના આધારે સરકારના નોટિફિકેશનને સમર્થન આપ્યું હતું. જો કે, પર્યાવરણીય ચિંતાઓ પર નજર રાખવા માટે ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ એકે સિકરીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી પોતાનો રિપોર્ટ સીધો સુપ્રીમ કોર્ટને આપશે. નોંધનીય છે કે ૧૧ નવેમ્બરના રોજ ચારધામ પ્રોજેક્ટમાં રસ્તાની પહોળાઈ વધારવાના મામલે સુપ્રીમ કોર્ટે વિસ્તારથી સુનાવણી થયા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. કેન્દ્ર અને અરજીકર્તાની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બંને પક્ષને બે દિવસમાં લેખિત સૂચનો આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું હતું કે લગભગ ૯૦૦ કિમીના ચાર ધામ ઓલ વેધર રાજમાર્ગ પ્રોજેક્ટમાં રસ્તાની પહોળાઈ વધારી શકાય કે નહીં. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે સપ્ટેમ્બર ૨૦૨૦ના આદેશમાં સંશોધનની માગણી કરી છે જેમાં ચારધામ રસ્તાઓની પહોળાઈ ૫.૫ મીટર સુધી સીમિત કરવાનો આદેશ આપ્યો હતો. પ્રોજેક્ટના કારણે હિમાલયના ક્ષેત્રોમાં ભૂસ્ખલનની ચિંતાઓને રોકવા માટે સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે આ પ્રકારની દુર્ઘટનાને રોકવા માટે તમામ પ્રકારના પગલા ભરવામાં આવશે.
દેશના અલગ-અલગ ભાગમાં ભૂસ્ખ્લન થયું છે અને તેના માટે માત્ર રોડ નિર્માણ જ જવાબદાર નથી. થોડા દિવસો પહેલા કેન્દ્રએ કોર્ટમાં એક સીલબંધ કવર આપ્યું હતું. તેમાં ચીને કરેલા બાંધકામની તસ્વીરો હતી. સરકારની રજૂઆત કરતા અર્ટોની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું- ચીન તરફથી એરસ્ટ્રીપ, હેલીપેડ, ટેન્કો, સૈનિકો માટે બિલ્ડિંગ્સ અને રેલવે લાઈનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટેન્કો, રોકેટ લોન્ચર અને તોપ લઈ જવા માટે ટ્રકોએ રસ્તાઓ પરથી પસાર થવું પડી શકે છે, આ કારણે રસ્તાની પહોંળાઈ ૧૦ મીટર હોવી જરૂરી છે.૧૯૬૨ના ભારત અને ચીનના યુદ્ધની વાતને યાદ કરીને વેણુગોપાલે કહ્યું હતું કે કોર્ટને એ વાતનો ખ્યાલ છે કે ૧૯૬૨માં શું થયું હતું. આપણે મિલિટરીની સ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ. આપણા સૈનિકોને સીમા સુધી પગે ચાલીને જવું પડતુ હતું.ચારધામ પ્રોજેક્ટનો હેતુ તમામ ઋતુઓમાં પહાડી રાજ્યના ચાર પવિત્ર સ્થળો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને જોડવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી કોઈ પણ ઋતુમાં ચારધામની યાત્રા કરી શકાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૯૦૦ કિલોમીટર લાંબો રોડ બની રહ્યો છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૮૪ નવા કેસ નોંધાયા