ઉદયપુર,તા.૧૪
રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રણાણ વધી રહ્યુ છે. રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હજુ એટલી ઠંડી નથી અનુભવાઇ રહી, પરંતુ જો ગામડાઓની વાત કરીએ તો રાજ્યનાં ઘણા ગામડાઓમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વળી બીજી તરફ પડોશી રાજ્યનાં હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બરફ પડી રહ્યો છે. તાજેતરમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં સવારની તુલનામાં રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે નોંધાયું છે. બીજી તરફ આબુમાં તાપમાન ૦ ડિગ્રીએ પહોંચતા અનેક રસ્તાઓ પર બરફનાં પડ જામી ગયા હતા. અહી રાત્રિનું તાપમાન સતત શૂન્ય ડિગ્રી નોંધાયું છે. જો કે અહી દિવસનું તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ નોંધાઇ રહ્યુ છે. માઉન્ટઆબુમાં રસ્તાઓ, કાર, ઝાડનાં પાંદડા પર બરફ્નાં થર જોવા મળ્યા હતા. અત્યારે માઉન્ટમાં સહેલાણીઓમાં નવયુગલોનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. લોકો માઉન્ટમાં જામેલા બરફ્નાં થર પર ફરવાનો આનંદ માણતા જોવા મળ્યાં હતા. માઉન્ટ આબુમાં રસ્તા, કાર, વૃક્ષો પર બરફનાં પડ જામી ગયા છે. કોરોનાનાં કેસ ઘટતા હાલમાં હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને કપલોની સંખ્યા વધી છે. બીજી તરફ આબુમાં ઠંડીનો પારો દિન-પ્રતિદિન ગગડી રહ્યો છે. માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન ૦ ડિગ્રી હતું. જેના કારણે અનેક રસ્તાઓ, ઝાડ તેમજ વાહનો પર બરફનાં પડ જામી ગયા હતા. જેના કારણે લોકો વહેલી સવારે આબુમાં રસ્તાઓ પર બરફની ચાદર પર મોજમસ્તી તેમજ ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં માઉન્ટ આબુ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની જાય છે. જણાવી દઇએ કે, અહી છેલ્લા ત્રણ દિવસથી શિયાળાની ઋતુ જોવા મળી રહી હતી, પરંતુ સોમવારે આકાશમાં વાદળોનાં કારણે ગરમીનો પારો વધી ગયો હતો. જોકે, પારો વધ્યા બાદ પણ ઠંડીનો ચમકારો યથાવત છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર વાદળોનાં કારણે તાપમાનમાં વધારો થયો છે, વાદળો આકાશમાંથી સાફ થતાં જ તાપમાનમાં ઘટાડો થશે.