કોરોનાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર થયેલી અસરને પહોંચી વળવા પાલીતાણાની શાળાએ વધારાના અભ્યાસ વર્ગો શરૂ કર્યા

106

રાજ્ય સરકારે શાળા સંચાલકોને 100 કલાક સમય દાન આપવાનું આહવાન કર્યુ હતું
કોરોનાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખુબ નુકસાન થયું હતું. જેથી તેને સરભર કરવા માટે રાજ્ય સરકારે 100 કલાક સમય દાન આપવાનું આહવાન કર્યુ હતું. જેની શરૂઆત ભાવનગર જિલ્લામાંથી થઈ છે. પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં વધારાના અભ્યાસ વર્ગો દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ સરભર કરવાની શરૂઆત કરવામાં આવી છે.

કોરોનાના કારણે ઓફલાઈન શિક્ષણકાર્ય પૂરતી રીતે શક્ય બન્યું નથી. વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ રૂબરૂમાં આપી શકાયું નથી. તેવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા શાળા સંચાલકો તથા શિક્ષકોને શાળા સમય પહેલા અને શાળા સમય બાદ વધારાના વર્ગો લઈને પણ વિદ્યાર્થીઓના અધૂરા રહેલા શિક્ષણ કાર્યને પૂરું કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે 100 કલાક સ્વૈચ્છિક સમયદાનનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આ વધારાના અભ્યાસ વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં અધૂરા રહેલા અભ્યાસને પૂર્ણ કરવાં માટે શાળાના ધોરણ-5 ના 27 વિદ્યાર્થીઓ માટે વર્ગશિક્ષક નાથા ચાવડા દ્વારા પાયાનું વાંચન, લેખન અને જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ કાર્ય માટે બાળકોને જરૂરિયાત મુજબની સ્ટેશનરી પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક નાથા ચાવડાને વિદ્યાર્થીઓને નાવીન્યપૂર્ણ અભિનવ પ્રયોગો દ્વારા શિક્ષણ આપવા માટે અગાઉ અનેક પ્રમાણપત્ર અને સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

Previous articleગારિયાધાર તાલુકાના બે ગામની સગર્ભાની 108ની ટીમે એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી
Next articleભાવનગરની બીમ્સ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે મહિલાના મોઢામાંથી ટેનિસ બોલ જેવડી મોટી ગાંઠની સફળ સર્જરી કરી