ભાવનગરની બીમ્સ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે મહિલાના મોઢામાંથી ટેનિસ બોલ જેવડી મોટી ગાંઠની સફળ સર્જરી કરી

127

મહિલા દર્દીઓમાં ભાગ્યે જ જોવા મળતી મોઢાની ગાંઠની સર્જરી કરાઈ
ભાવનગર શહેરના જેલરોડ પાસે આવેલી બીમ્સ હોસ્પિટલ ખાતે 32 વર્ષીય મહિલા દર્દીની ભાગ્યે જ જોવા મળતી પ્લીયોમોર્ફિક એડીનોમા (લાળ ગ્રંથીની ગાંઠ)નું ઓપરેશન કરવામાં આવ્યું છે. મહિલા દર્દીને ડાબી બાજુએ જડબાનાં ખૂણાની પાછળના ભાગમાં લાળગ્રંથિનાં અંદરના ભાગમાં ગાંઠ થઈ હતી.

દર્દીનો મોઢા અને ગળાનો એમ.આર.આઇ કરતા જાણવા મળ્યું હતું કે આ ગાંઠ ટેનિસ બોલ જેવડી મોટી હતી. જે ગળાની અંદરની બાજુએ અને ખોપરીનાં નીચેના ભાગ તરફ પ્રસરી રહી હતી. આ ગાંઠ ગળા અને મગજની ધોરી નસ તથા ચહેરાને હાવભાવ આપતી નસની ખૂબ નજીક હતી. તેથી આ ગાંઠ કાઢવી એક સર્જીકલ પડકારરૂપ હતી. મહિલા દર્દીના ચહેરાનો આકાર અને દેખાવ બગડે નહિ તે માટે ડાબી બાજુના જડબાની નીચે એક નાનો કાપો મૂકવામાં આવ્યો હતો. તેમજ ગળાના ભાગેથી જડબુ કાપ્યા વગર મુખ્ય ધોરી નસોને બચાવી અત્યંત ઝીણવટપૂર્વક ગાંઠ સાથે સંકળાયેલા આજુબાજુનાં ભાગોને નુકસાન ન થાય એ રીતે ગાંઠને સફળતાપૂર્વક કાઢવામાં આવી હતી. આ અંગે ડોક્ટર હિરેન ડુંગરાણીએ જણાવ્યું હતું કે ડાબી બાજુએ જડબાનાં ખૂણાની પાછળના ભાગમાં લાળગ્રંથિનાં અંદરના ભાગમાં મહિલાને ગાંઠ થઈ હતી. મહિલાઓમાં આવી ગાંઠ ભાગ્યે જ જોવા મળે છે. આ સર્જરી 5 કલાક જેટલી ચાલી હતી, આ સર્જરી જો સમયસર ન થાય તો ગાંઠ ગળાના અને મગજના ભાગમાં વધારે પ્રસરીને દર્દીનાં જીવ માટે જોખમ ઉભુ કરે છે. આ પ્રકારની સર્જરી માટે મોટા શહેરમાં જવું પડતું હોય છે, પરંતુ હવે ભાવનગરમાં મોટા ઓપરેશન થવાથી લોકોને અન્ય મોટા શહેરોમાં જવું પડશે નહીં. ભાવનગર બીમ્સ હોસ્પિટલના મોઢા અને જડબાનાં સર્જન ડૉ. હિરેન ડુંગરાણી, ડૉ. કલ્પેશ છજેર તથા ડૉ. ક્રિષ્ના કોટડીયાની ટીમ દ્વારા ભાગ્યે જ જોવા મળતી એવી આ લાળગ્રંથિની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Previous articleકોરોનાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર થયેલી અસરને પહોંચી વળવા પાલીતાણાની શાળાએ વધારાના અભ્યાસ વર્ગો શરૂ કર્યા
Next articleપાલીતાણામાં આઠ દિવસમાં વિધર્મીઓ બે યુવતીઓને ભગાડી જતા લોકોમાં રોષ, શહેર સજ્જડ બંધ રહ્યું