શહેરના કું.વાડા રોડ પર ટેન્કર અડફેટે બાઇક ચાલકને ગંભીર ઇજા

105

ટેન્કર ચાલક વાહન ઘટના સ્થળે છોડી નાસી છુટ્યો, ઈજાગ્રસ્ત યુવાનને તત્કાળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
ભાવનગર શહેરના ગઢેચીવડલાથી કુંભારવાડા તરફ જવાના રોડપર એક બાઈક સવારને પાણીનાં ટેન્કર ચાલકે અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલ યુવાનને પ્રથમ સર.ટી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતને પગલે રોડપર ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી શહેર-જિલ્લામાં જાણે યમરાજાએ પડાવ નાંખ્યો હોય તેમ છાશવારે પ્રાણઘાતક અકસ્માતોની વણથંભી વણજાર શરૂ રહેવા પામી છે અને આવા જીવલેણ અકસ્માતોમાં નિર્દોષ લોકો મહામૂલી જિંદગી ગુમાવી રહ્યાં છે તાજેતરમાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો ભરવાડ પરીવાર સિહોર પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો જેમાં એક નાની બાળાએ સ્થળ પર દમ તોડ્યો હતો જયારે તેની માતાએ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધો હતો આ ઘટના તાજી જ છે ત્યાં ફરી એકવાર એક અકસ્માત ની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં શહેરની જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતો આશરે ૨૨ વર્ષીય યુવાન પ્રદિપ અજીત ચાવડા તેના પિતા સાથે નિત્યક્રમ મુજબ આજે સવારે પોતાના ઘરેથી બાઈક લઈ કામે જવા નિકળ્યો હતો દરમ્યાન ગઢેચીવડલાથી કુંભારવાડા તરફ જવાના રોડપર ભાયાણીની વાડી પાસે ગઢેચીવડલા બાજુથી આવી રહેલ પાણી ભરેલા ટેન્કર ચાલકે બાઈક સવાર પ્રદિપને અડફેટે લેતાં આ યુવાન રોડપર પટકાયો હતો જેમાં ટેન્કર -ટ્રકનું તોતીંગ વ્હીલ તેના પગ પર ફરી વળ્યું હતું જેને પગલે યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી અને રાહદારીઓએ ઈજાગ્રસ્ત યુવાનને તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેની સ્થિતિ નાજુક હોય ઈજાગ્રસ્તના પરીવારે ખાનગી એમ્બ્યુલન્સમાં યુવાન પ્રદિપને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે રવાના થયા હતા. આ ઘટનાને પગલે થોડીવાર માટે રોડપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડી પોબારા ભણી ગયો હતો આ બનાવની જાણ ડી-ડીવીઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નાસી છુટેલ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleચોરીના કેસમાં આજે ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા ચોર અને વેપારી સહિત ૬ આરોપીને ૧૦ વર્ષની કેદની સજા
Next articleજે.જે.સી. દ્વારા યોજાયો સ્નેહમિલન સમારોહ