દિગ્દર્શક જયંત ગિલાટરની સ્ત્રી સન્માન આધારિત ફિલ્મ ‘હલકી ફુલકી’ ૧૭ ડિસેમ્બરથી સિનેમાઘરોમાં

111

‘તારક મહેતા’ ફેમ નેહા મહેતા અને ‘મૈયરમાં મનડું’ ફેમ આનંદી ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં
ગુજરાતી ફિલ્મ ‘હલકી ફુલકી‘નું ટ્રેલર થોડા દિવસ અગાઉ રિલીઝ થયું છે. અને લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે. મનોરંજન સાથે સ્ત્રી સન્માન અને તેમના લાગણીશીલ સંબંધોને આવરી લેતી આ એક પારિવારિક ફિલ્મ હોય તેવું લાગી રહ્યું છે. આ ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’, ‘ચોક એન્ડ ડસ્ટર’ અને ‘ગુજરાત ૧૧’ નામની ફિલ્મો બનાવી ચૂકેલા દિગ્દર્શક જયંત ગિલાટરે બનાવી છે અને શત્રુઘ્નસિંહ સોલંકી તથા જયંત ગિલાટરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં નેહા મહેતા, આનંદી ત્રિપાઠી, જયકા યાજ્ઞિક, ભાવિની ગાંધી, આંચલ શાહ, રચના પકાઈ, પૂર્વી દેસાઈ, દિશા ઉપાધ્યાય, સાત્વી ચોક્સી અને માનસી જોશી સહિતની અભિનેત્રીઓએ કામ કર્યું છે. દિગ્દર્શક જયંત ગિલાટર સાથે વાત કરતા જાણવા મળ્યું કે ‘આ ફિલ્મમાં મહિલાઓની મસ્તી છે, હાસ્ય છે, રુદન છે અને જિંદગી સાથેની લડાઈ છે. ‘હલકી ફુલકી’ ગુજરાતી ફિલ્મને આધુનિક ટચ અપાયો છે. ફિલ્મમાં કોઈ ઉપદેશ આપ્યા વગર જ હસતા-રમતા સ્ત્રીઓના જીવનના પ્રશ્નોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. સૌ સ્ત્રીઓ સાથે મળીને એકબીજાને સહકાર આપીને સંઘર્ષનો સામનો કરે છે.’ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખ્યો છે જાણીતા પત્રકાર અને લેખક આશુ પટેલ, જયંત ગિલાટર અને દિવ્યકાંત પંડ્યાએ મળીને. ફિલ્મના સંવાદો લખ્યા છે જાણીતા લેખિકા ગીતા માણેકે. જયારે ગીતો લખ્યા છે જાણીતા કવિ અને ગીતકાર મુકુલ ચોક્સીએ અને મ્યુઝિક આપ્યું છે યુગ ભુસલે. ફિલ્મના ત્રણ ગીતો અત્યાર સુધી રિલીઝ થઈ ચૂક્યા છે. ફિલ્મના ટાઇટલ સોન્ગને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. તો ફિલ્મનું બીજું એક ગીત ‘ચાય ગરમ’ શિયાળાની ઋતુમાં લોકોની જીભે ચડી રહ્યું છે. સોશિયલ મીડિયામાં લોકો તે ગીત સાથે પોસ્ટ મૂકીને તેની મજા માણી રહ્યા છે. ત્રીજું ગીત જાણીતા સિંગર ઐશ્વર્યા મજમુદારે ગાયું છે અને ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે.
‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ સિરિયલ પછી અંજલિ મહેતાના પાત્રથી જાણીતા નેહા મહેતા કઈ ફિલ્મ કે સિરિયલમાં દેખાશે તેની ચાહકોને કેટલાય સમયથી રાહ હતી. અને આ ફિલ્મથી તેમની અપેક્ષાઓનો અંત આવ્યો છે. ગુજરાતી સિનેમાની માઈલસ્ટોન સમી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મના જાણીતા અભિનેત્રી આનંદી ત્રિપાઠી પણ વર્ષો પછી ગુજરાતી ફિલ્મમાં પાછા આવી રહ્યાં છે. તેમને જોવા પણ લોકો ઉત્સુક જણાઈ રહ્યાં છે. વધુમાં દિગ્દર્શક જયંત ગિલાટરે કહ્યું હતું કે ‘કોરોના સમયકાળમાં આ ફિલ્મ સૌને ખૂબ આનંદ કરાવે એ જ ઉદ્દેશ્ય છે. અમારી ‘હલકી ફુલકી‘ ફિલ્મ તમારા નજીકના સિનેમાઘરોમાં ૧૭મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે! સૌને એ જોઈને પોતાની જ વાર્તા લાગશે.

Previous articleઆજે કોરોનાનો નવો એક કેસ નોંધાયો
Next articleકરિશ્મા પરિવાર-મિત્રોની હાજરીમાં સાત ફેરા લેશે