ભારતમાં 3000 જેટલા વરુઓની સામે ભાવનગરમાં 100થી વધુ વરુઓ વસવાટ કરે છે
ભાવનગરમાં આવેલા બ્લેકબક નેશનલ પાર્ક ખાતે શિયાળાની સવારમાં વિહરતા વરુના ટોળાઓનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ભાવનગર ACF મહેશ ત્રિવેદીએ પોતાના મોબાઈલ પર કેદ કર્યો હતો. વરૂઓનું ઝુંડ મસ્તી કરતું જોવા મળ્યું હતું. આ અંગે વેળાવદર કાળિયાર બ્લેક બક રાષ્ટ્રીય ઉદ્યાન પાર્કના ACF મહેશ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું કે, ભાલ વિસ્તારમાં ઘણા બધા વરુ આપણે ત્યાં છે. પાર્કમાં અંદાજે 60 થી વધુ વરૂ વસવાટ કરી રહ્યા છે. આપણે ત્યાં વરુને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે. તેમજ વરુ એ ખેડૂતનો સાચો મિત્ર છે. વધુમાં જણાવ્યું હતું કે વરુએ ખેડૂતોના પાકને નુકસાનથી બચાવે છે કારણ કે સૌથી વધુ નીલગાય અને જંગલી સુવર ખેડૂતોના પાકને નુકસાન કરે છે તેને રોકવાનું સૌથી અગત્યનું કામ વરુ કરે છે. જેથી તે ખેડૂતનો ખૂબ સારો મિત્ર છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ વરુ રહી શકે છે. ઠંડી-ગરમી અને વરસાદમાં પણ રહી શકે છે. લોકો વરુને બચાવે તો ઘણી બધી ખેતીના પાકને નુકસાન થી બચાવવામાં મદદ કરી શકે છે. છેલ્લા ત્રીસ-ચાળીસ વર્ષના ઈતિહાસમાં વરૂએ માણસ પર હુમલો કર્યો હોય તેવું બન્યું નથી. અમે વરુ બચાવવા અભિયાન પણ હાથ ધર્યું છે.
ભાવનગરથી માત્ર 45 કિલોમીટર દુર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર દેશ નહિ પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. બ્લેકબગ એટલે કે કાળીયાર હરણની એક પ્રજાતિ માટે ખુલ્લા ઘાસના મેદાન અને સમતલ જગ્યા સ્વર્ગ સમાન છે. આજે વેળાવદર ખાતે ઉદ્યાનમાં અને બહાર મળી કુલ 7 હજાર જેટલા કાળીયાર મુક્ત રીતે વિસરે છે. રાષ્ટ્રીય ઉદ્યાન હોવાથી અહિયાં કાળીયાર સાથે લગભગ 100 કરતા વધુ પ્રજાતિના પક્ષી, વરુ, શિયાળ અને ઝરખ જેવા પ્રાણીઓ પણ મુક્ત રીતે વસવાટ કરે છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વરુની સૌથી વધુ વસ્તી હોવાનું અનુમાન છે. વરુઓની ઉંમર અંદાજે બે વર્ષની આસપાસની છે. ભારતમાં અંદાજે 3000 હજાર જેટલા વરુઓ છે. તેની સામે ભાવનગરમાં જ 100 થી વધુ વરુ વસવાટ કરી રહ્યા છે તે ભાવનગર માટે ગર્વની વાત કહેવાય છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન સિવાય વિક્ટોરિયા પાર્ક ખાતે પણ વરૂ દેખાતા હોય છે તે સિવાય પણ જિલ્લામાં અનેક સ્થળોએ પણ જોવા મળે છે. થોડાક સમય પહેલા પણ એકી સાથે 3000 કાળિયારનો વીડિયો વાઈરલ થયો હતો.