રૂવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રૂપિયા 17.50 લાખના ખર્ચે અદ્યતન સાધનો વસાવવામાં આવ્યાં
ભાવનગર શહેરમાં નવા ભળેલા વિસ્તાર રૂવા ગામમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત CHC સેન્ટર આવેલું છે. આ આરોગ્ય કેન્દ્રમાં પુરતા પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ ન હોવાથી ધારાસભ્ય વિભાવરીબેન દવેએ પોતાની ગ્રાન્ટમાંથી નાણા ફાળવી રૂપિયા 17.50 લાખના ખર્ચે અર્ધતન સાધનો વસાવવામાં આવ્યાં છે. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ કેન્દ્રને સારવાર અર્થે ઉપયોગમાં લેવાતા સાધનો થકી અપગ્રેડ કરવામાં આવ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત રૂવા ગામ અને હાલ ભાવનગર શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ છે એવા આ વિસ્તારમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્રમાં મોટી સંખ્યામાં ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે. આ કેન્દ્રમાં સારવાર માટે ઉપયોગમાં લેવાતા સાધનો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી ઘણાં ખરાં કિસ્સામાં દર્દીઓને સારવાર માટે ફરજિયાત સર ટી હોસ્પિટલમાં રીફર કરવાની ફરજ પડતી હતી. જેને લઈ ભાવનગર પૂર્વ મતક્ષેત્રના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ આધુનિક મેડિકલ સાધનો વસાવવા માટે પોતાની ગ્રાન્ટમાથી નાણાં ફાળવતા રૂપિયા 17.50 લાખના ખર્ચે અદ્યતન સાધનો વસાવવામાં આવ્યાં છે. જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સાધનો સાથે રૂપિયા 5 લાખના ખર્ચે વસાવેલા પાણીના ટેન્કરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય વિભાવરીબેન દવે, ડે.મેયર કુમાર શાહ, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂ ધામેલીયા સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.