નવા રંગોની ભાત: ‘ઝગમગ’

127

અમારો સંસાર-રથ ધીમી ગતિએ ચાલતો હતો. નીલા ભાવનગર જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવતી હતી. કોળિયાક કન્યા શાળામાં તેમણે એક પછી એક જ્ઞાનના દીવડા પ્રગટાવવાનું શરુ કર્યું. સંગીતના સુર પદ્યમાં વપરાયેલા શબ્દોને અનેરી ઉંચાઈ આપી રહ્યા હતા. ૨૦૦૧ નો એપ્રીલ માસ ચાલતો હતો. ભૂકંપના ભયમાંથી બહાર નિકળેલી ધોરણ ૬ ની દીકરીઓ “ભારતના વીર જાગો, ભારતના હો વીર…” કાવ્ય કૄતિના સ્વાધ્યાયમાં પુછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો લખી રહી હતી. વર્ગ-ખંડમાં નીલાને આવતી જોઈ દીકરીઓ ગેલમાં આવી ગઈ. નીલાએ ગીત ઉપાડ્યું, “ભારતના વીર જાગો, ભારતના હો વીર, માતૄભૂમિના રક્ષકોને સૌ નમાવો શીર” વર્ગખંડની ચાર દિવાલો વચ્ચે અભિનયનો સૂર્ય અજવાળા પાથરી રહ્યો હતો. ગીત પુરું કરી, શિક્ષિકાએ કહ્યું, તમે બધાં આ કાવ્યના સવાલ જવાબ લખવા ઉત્તરો શોધી રહ્યા હતા, ખરું ને! શિક્ષિકાની વાત સાંભળી બધાં વિચારમાં પડી ગયા ! બેન જોઈ શકતા નથી, તેમ છતાં તેમને શી રીતે ખબર પડી હશે ? બધાં એક બીજાની સામે જોઈ રહ્યા હતા. એટલામાં શિક્ષિકાએ ખૂલાસો કર્યો, અંતરની આંખો ખૂબ તેજસ્વી હોય છે, તે દૂર સુધીનું દૃશ્ય નિહાળી શકે છે. તે ભિતરમાં સળગતી ચિંતાની આગ બુજાવવા ઉર્મિનું જળ પણ વહેડાવી શકે છે. તમને કાવ્યના અઘરા શબ્દો સમજવામાં મુશ્કેલી પડે છે, તે હું સમજી શકું છું. તેમણે કાવ્યનો રસાસ્વાદ કરાવી સરળ શબ્દોમાં સમજુતિ આપી. ત્યારબાદ સ્વાધ્યાયમાં આવતા સવાલોના જવાબો લખાવ્યા.
વર્ષ ૨૦૧૪ માં હું મોટી બીમારીમાંથી બહાર આવવા મથી રહ્યો હતો. મગજમાં થયેલી ગાંઠને ઓગાળવા વપરાયેલી દવાની આડ અસરના કારણે હું અનેક બીમારીઓનો ભોગ બન્યો હતો. શાળાનું સુકાન સંભાળવું મારા માટે ઘણું પડકારજનક હતું. કાને ઓછુ સંભળાતું હોવાથી મિટિંગમાં ચર્ચાયેલા મુદ્દાઓનું તારણ કાઢી યોગ્ય નિર્ણય લેવામાં મને તકલીફ પડતી હતી. નીલાએ મને હિંમત આપી મને સહાય કરવા ટ્રસ્ટીમંડળમાં જોડાવા નિર્ણય લીધો. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની જવાબદારી તેમણે ઉપાડી લીધી. રસોઈઘરમાં સુધારો લાવવા રસોડામાં કામ કરતી બહેનો સાથે નિયમિત પરામર્શ કરતી હતી. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને અભ્યાસ પુરો કરી સમાજમાં સ્થાપીત થવામાં અગવડ ન પડે એટલા માટે શાળામાં હોમસાયન્સ સેન્ટર શરુ કરવા વિચાર રજુ કર્યો. મેં કહ્યું, હોમસાયન્સ સેન્ટર ઊભુ કરવા રૂપિયા ડોઢેક લાખ આપી શકે તેવા ડોનર શોધવા પડશે. તેમણે કહ્યું, મારા મમ્મીની યાદમાં “નિષ્ઠા હોમસાયન્સ” સેન્ટર શરુ કરવા આપણા પરીવારે ડોનર બનવાનું છે. આવતી કાલે તમે એક લાખ એકાવન હજારનો ચેક સંસ્થાને આપી દેજો. જેથી વહેલીતકે દીકરીઓને અવનવી વાનગી શીખવા મળે. મેં કહ્યું, રસોઈ શીખવી શકે તેવા તજજ્ઞ શોધવા પડશે એમ ઉતાવળે આંબા ન પાકે. નીલાએ કહ્યું, આપણે કોઈ બહારના તજજ્ઞ શોધવા જવાની જરૂર નથી. શની-રવી હું પોતે સેવા આપીશ. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સોમ થી શુક્ર શીખવેલી વાનગીની પ્રેક્ટિસ કરશે. અડગ-મનના મુસાફરને હીમાલય પણ નડતો નથી, જ્યારે અસ્થીર મગજના માનવીને રસ્તો પણ જડતો નથી. જ્યારે વ્યક્તિ કોઈપણ કાર્યને પુરું કરવા તન, મન અને ધન અર્પણ કરવા તૈયાર થઈ જાય છે. ત્યારે નવા રંગોની ભાત, ઉપસ્યા વિના રહેતી નથી. નિષ્ઠા હોમસાયન્સ સેન્ટરની પ્રવૄત્તિઓ રંગ લાવી રહી છે. રાજ્યકક્ષાની વાનગી સ્પર્ધામાં શાળાની પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ડંકો વગાડી દીધો છે. તેમણે અનેક પુરસ્કારો મેળવી સૌ કોઈના દિલ જીતી લીધા છે. એટલે મને કહેવાનું મન થાય છે.
“વાણીનો વૈભવ વધારવા લાગણીના ચોસલે શબ્દો મઢ્યા છે,
ભાષાનો ભાવ વ્યક્ત કરવા અરમાનના ઘોસલે રંગો પુર્યા છે”

રંગોની અનેરી ભાત નિહાળીએ તો સંસાર ભૂમિના આંગણે ઉગી નીકળેલો છોડ જેણે મઘમઘતી મહેક વેરી છે. નીલ પુલિંગને આકાર લાગતા શબ્દનું વિશેષણ બને છે નીલા. નીલા એટલે નીલ વત્તા આકાશ અર્થાત્ નીલા, અથવા રામનો સેનાપતિ. આમ જુઓ તો તેમણે ઈશ્વરની સૄષ્ટિને સજાવવા ખરા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોને સમાજમાં સ્થાપીત કરવા અને તેને કૌશલ્ય શિક્ષણના મોરચે વિજય અપાવવા ઝાંસીની રાણી લક્ષ્મિબાઈ જેવી લડત કરી છે. પ્રજ્ઞાચક્ષુ મહીલાઓના કલ્યાણ માટે સંવાદની ખેતી કરી છે. તેમણે સૌરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ સખી મંડળની રચના કરી તેમના પ્રશ્નોને વાચા આપી હતી. અનોખા મંચ પર મળતી બહેનોના ચેહરાની ખૂશી વાંચી અંતરના આંગણે આનંદની ડુંડુબીઓ સાંભળવાનો લાહવો મળ્યો છે. જીવનના અંતિમ દાયકામાં તેમણે માનવતાની મશાલ પ્રગટાવી મુક્તિનો માર્ગ શોધી કાઢ્યો હતો. પ્રકૃતિનાં મૂળ ત્રણ રંગોની ભેટ અમારા પરીવારને મળી છે. લાલ, લીલો અને વાદળી. લાલ: આ રંગ સત્તા, સંપત્તિ અને વૈભવનો સરદાર ગણાય છે. અહંકાર, ક્રોધ અને મહત્વકાંક્ષા તેનો ગુણ રહ્યો છે. લક્ષ્ય માટે તે દોડે અને દોડાવેછે. તેનો ચહેરો અરમાનની આગથી સળગતો હોય તેવો લાગે પરંતુ પરીવારનો મોભી હોવાથી સત્તાનું સિંહાસન શોભાવે છે. લાલ રંગની પ્રકૄતિ મારા સ્વભાવ સાથે એકદમ મળતી આવે છે. લીલો: લીલો રંગ અમારા પરીવારની ખરી ઓળખ બની ગયો છે. અમારા પરીવારની હરિયાળી એટલે નિષ્ઠાનું આગમન. તેના જન્મથી અમારા પરીવારની પ્રગતિના દ્વાર ખૂલ્યા છે. લીલો રંગ આંખોને ટાઢક આપે છે તેમ નિષ્ઠા પરીવારની હરિયાળી બની શાંતિ આપે છે. તે સિદ્ધિના સરનામે પરીવારને દોરી આગળ વધી રહી છે. વાદળી: આકાશી ભૂરો રંગ એટલે કુદરતની કમાલ તે બધું જ આપતો હોવા છતાં હાથવગો નથી. વાદળી વરસે પછી હરિયાળી આવે છે. નીલાના આગમન પછી અમારા પરીવારને ઓળખ મળી હતી. વાદળી ગાજે અને વરસે, વિજળીના ચમકારે તે આપણને ધમકાવે પણ જીવન જરૂરી પાણી અવશ્ય આપે. સતત હાસ્ય વેરતી નીલા સ્વભાવે જીદ્દી અને ધાર્યું કરાવે તેવી હતી. ઘેરાયેલા વાદળો અચાનક વિખેરાય જાય તેમ નીલા આપણી વચ્ચેથી ચાલી ગઈ છે. મૂળ રંગનું કામ મિલાવટ કરી નવા રંગો આપવાનું છે. જ્યારે મૂળ રંગોની મિલાવટ થાય છે, ત્યારે નવા રંગનો ઉદય થાય છે અને મૂળ રંગ આપમેળે અદ્રશ્ય થઈ જાય છે. અમારા પરીવારને ઓળખ આપી નીલા વાદળીની જેમ ચાલી ગઈ છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે ત્યારે ધરતી પર અંધકાર છવાય જાય છે. સમય જતા તેમાંથી આછો પ્રકાશ દેખાય છે. આકાશમાં ઘેરાયેલાં વાદળો એકરસ થતા વરસાદ પડે છે. ધરતી પર લીલું ઘાંસ ઉગી નિકળે છે. ચારેકોર લીલીછમ વનરાયનું સામ્રાજ્ય સ્થપાય છે. નીલા અમારું આકાશી વાદળ બનીને આવી હતી. રીમજીમ વરસી ચાલી ગઈ. પરીવારરૂપી ઉગેલી વનરાય ચાતક પક્ષીની જેમ વલખે છે.
“સપનું હતું ‘ઝગમગ’ સેવાના સાથે મળી ભરીશું રંગ,
પ્રજ્ઞાલોકની ગંગોત્રી થઈ વહેતા રહેશું સંગ”

(લેખક: લાભુભાઈ ટપુભાઈ સોનાણી)

Previous articleકુલગામ ખાતે સેનાએ બે આંતકવાદીઓને ઠાર કર્યા
Next articleપ્લાસ્ટિક પાર્ક માટે મુખ્યમંત્રીના હસ્તે 577 પ્લોટની વર્ચ્યુઅલ ફાળવણી કરવામા આવી, ગ્રાન્ટ ના મળતા અંતિમઘડીએ પ્લોટના ભાવ વધ્યા