નવીદિલ્હી,તા.૧૭
દુનિયાભરમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ વેરિઅન્ટથી ભારતમાં પણ ચિંતા વધી ગઇ છે. વિશ્વમાં કોરોના વાયરસનાં સંક્રમિત કેસોની સંખ્યા વધીને ૨૭૨,૮૬૦,૧૫૧ થઈ ગઈ છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, આ વાયરસને કારણે અત્યાર સુધીમાં ૫,૩૩૫,૭૫૮ લોકોનાં મોત થયા છે. વળી, અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં ૮,૫૮૮,૪૨૫,૧૦૧ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાનાં ૭,૪૪૭ નવા કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ, ૩૯૧ નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને ૪,૭૬,૮૬૯ થયો છે. દેશમાં આ મહામારીનાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને ૮૬,૪૧૫ થઈ ગઈ છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી ઓછી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતનો હાલનો રિકવરી રેટ ૯૮.૩૮ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૫૯% પર નોંધવામાં આવ્યો હતો. છેલ્લા ૭૩ દિવસમાં તે ૨ ટકાથી ઓછો છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ, ૦.૬૩ ટકા, છેલ્લા ૩૩ દિવસથી ૧ ટકાથી નીચે છે. સંક્રમણમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૩,૪૧,૬૨,૭૬૫ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ રસીનાં ડોઝની કુલ સંખ્યા ૧૩૫.૯૯ કરોડને વટાવી ગઈ છે. ગુરુવારે ૭૦,૪૬,૮૦૫ લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે ૧૨,૫૯,૯૩૨ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.