જુદી જુદી કંપનીઓના ખેલાડીઓ ભાગ લેશે, આવતીકાલે સાંજે 5 કલાકે સમાપન
રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા બે દિવસીય રોટરી સ્પોર્ટ્સ લીગનો પ્રારંભ આજે શનિવારથી યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો. આ રોટરી સ્પોર્ટ્સ લીગનું ઉદ્ધાટન આજે શનિવારના રોજ જોઇન્ટ કમિશ્નર-સ્ટેટ જી.એસ.ટીના મિલિંદભાઈ કાવટકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ભાવનગરની અત્યંત જાણીતી અને 76 વર્ષથી અનેકવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક અને મેડિકલ કાર્યો કરતી રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા પોતાના કાર્યોને આર્થિક પીઠબળ મળી રહે તેવા હેતુથી તા. 18 અને 19 ડિસેમ્બર (શનિ-રવિ)ના રોજ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોટરી સ્પોર્ટ્સ લીગ-2021નું આયોજન કરવામાં આવ્યું છે.
એક્રેસીલ લિમીટેડની ઇવેન્ટ સ્પોન્સરશીપ અને આઈપીસીએલના કો-સ્પોન્સરશીપ હેઠળ આયોજિત આ સ્પોર્ટ્સ લીગમાં ભાવનગરના જાણીતા કોર્પોરેટ હાઉસ એક્રેસીલ, આઈપીસીએલ, નીરમા, સ્ટીલકાસ્ટ, તંબોલી કાસ્ટિંગ, સુમિટોમો કેમિકલ, રેનિસન્સ ગ્લોબલ, ઇનારકો, હાઈટેક ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, ભાયાણી ગ્રુપ, ટાટા કેમિકલ્સ સહિતની કંપનીઓ ભાગ લઈ રહી છે. આ લીગમાં ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સહિત કુલ 300થી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા અવનવા નિયમો, કલરફુલ ડ્રેસ, પેવેલિયન, અને ઉત્સાહસભર વાતાવરણ માટે રમતપ્રેમીમાં અત્યંત લોકપ્રિય આ લીગનું સતત 15 વર્ષથી આયોજન થઈ રહ્યું છે. ભાગ લેનારી કંપનીઓ સિવાય પણ આ આયોજન સાથે ભાવનગરની અન્ય જાણીતી કંપનીઓ અને સંસ્થાઓ એક યા બીજી રીતે સંકળાયેલી રહી છે. આવતીકાલે રવિવારે આ લીગનો સમાપન સમારોહ સાંજે 5 કલાકે કરવામાં આવશે. દર વર્ષે આ આયોજનને માણવા બહોળી સંખ્યામાં ભાવનગરના લોકો અને રમતપ્રેમીઓ હાજર રહે છે. આ વર્ષે પણ સ્પોર્ટ્સ લીગને માણવા દરેક ભાવનગર વાસીઓને યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પધારવા રોટરી ક્લબ ઓફ ભાવનગરના પ્રમુખ ભાવેશ શાહ અને ઇવેન્ટ ચેરમેન વિરલ વળીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.