ભાવનગરનાં સાંસદ ભારતીબેન શિયાળે પોતાના વતન મથાવડા જઈ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું

127

તળાજા તાલુકાના મથાવડા ગામે મતદાન કરવા સાંસદ પરીવાર સાથે પહોંચ્યાં, ગામડાઓનો વિકાસ એ જ દેશનો વિકાસ છે : સાંસદ ભારતીબેન શિયાળ
જિલ્લામાં ૨૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે રવિવારે યોજાઇ છે. જેમાં ૨૨૨ સામાન્ય ગ્રામ પંચાયત, ૧૯ ગામોમાં પેટા ચૂંટણી અને ૩ ગામમાં મધ્યસત્ર ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થયું છે. એવામાં ભાવનગરનાં સાંસદ ભારતીબેન શિયાળે પણ પોતાના વતન મથાવડા ખાતે આવી મતદાન કરી એક જાગૃત નાગરીક તરીકેની તેમની ફરજ અદા કરી હતી. નોંધનીય છે કે જિલ્લામાં ૪૧૪૨ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચૂ઼ંટણીમાં ૪૦૪૪ ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. જેમાં સરપંચ પદના ૫૮૫ અને વોર્ડ સભ્ય પદના ૩૪૫૯ ઉમેદવારોનો સમાવેશ થાય છે. સવારના ૭ કલાકેથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં લોકો કતારબંધ ઉભેલાં જોવા મળ્યાં હતાં. આ બધાની વચ્ચે સાંસદ ભારતીબેન શિયાળે પોતાના વતન મથાવડા ગામે આવીને ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યુ હતું. સાંસદે પોતાના સહપરિવાર સાથે મથાવડા ગામે પહોંચી મતદાન કર્યું હતું. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે ગામડાઓનો વિકાસ એ જ દેશનો વિકાસ છે. તેમજ આ તમામ ચૂંટણીઓ અને મતદાન પારદર્શી રીતે થતું હોય છે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપવા અંગેની પણ વાત કરી હતી.

Previous articleગ્રામ પંચાયત ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન
Next articleતળાજાના ધારાસભ્ય કનુભાઈ પોતાના વતન પીપરલા ગામે મતદાન કર્યું