મોદીએ સેલ પરેડ અને ફ્લાઈપાસ્ટમાં ભાગ લીધો : પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, આ એક સંયોગ છે કે ગોવાની આઝાદીની ડાયમંડ જ્યુબેલી આઝાદીના અમૃત મહોત્સવની સાથે ઉજવાઈ રહી છે
પણજી,તા.૧૮
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવાના પ્રવાસે છે, આ દરમિયાન તેમણે પણજીમાં મીરામાર બીચ પર ગોવા લિબરેશન ડેના અવસર પર આયોજીત સેલ પરેડ અને ફ્લાઈપાસ્ટમાં ભાગ લીધો. આ પહેલા પીએમ મોદીએ ગોવાના પણજીના આઝાદ મેદાનમાં શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ગોવા યાત્રા પર પણજી એરપોર્ટ પહોંચ્યા તો રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે તેમનું સ્વાગત કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, ગોવા આજે ન માત્ર પોતાની મુક્તિની ગોલ્ડન જ્યુબેલી મનાવી રહ્યું છે, તો આજે આપણી સામે સંઘર્ષ પર ગર્વ કરવાની તક છે. પીએમ મોદીએ કહ્યુ કે, આ એક સંયોગ છે કે ગોવાની આઝાદીની ડાયમંડ જ્યુબેલી આઝાદીના અમૃત મહોત્સવની સાથે ઉજવાઈ રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, ગોવાની ધરતીને, ગોવાની હવાને, ગોવાના સમુદ્રને પ્રકૃતિનું અદ્ભુત વરદાન મળેલું છે. આજે તમારો બધાનો ગોવાની ધરતી પર આ જોશ, ગોવાની હવાઓમાં મુક્તિના ગૌરવને વધારી રહ્યો છે. પીએમ મોદી બોલ્યા કે ગોવા એક એવા સમયે પોર્ટુગલની આધીન ગયું હતું, જ્યારે દેશના બીજા મોટા ભાગમાં મુગલોનું શાસન હતું. ત્યારબાદ કેટલા રાજકીય તોફાન દેશે જોયા, સત્તા પરિવર્તન થઈ. ગોવાના લોકોએ પણ મુક્તિ અને સ્વરાજ માટે આંદોલનનો બંધ ન કર્યા. તેમણે ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી આઝાદીની જ્યોત સળગાવીને રાખી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, ભારત એક એવો ભાવ છે, જ્યાં રાષ્ટ્ર સ્વથી ઉપર હોય છે, સર્વોપરિ હોય છે. જ્યાંનો એક મંત્ર હોય છે- રાષ્ટ્ર પ્રથમ. જ્યાં એક સંકલ્પ હોય છે- એક ભારત, શ્રેષ્ઠ ભારત. જો સરદાર પટેલ થોડા વધુ વર્ષ જીવતા રહ્યા હોત તો ગોવાએ પોતાની આઝાદી માટે આટલો લાંબો સમય રાહ જોવાની જરૂર પડત નહીં. ગોવાએ દરેક વિચારને શાંતિની સાથે વિકસવા દીધો છે. તેણે ભારતમાં તમામ ધર્મો અને સંસ્કૃતિઓને સમૃદ્ધ થવા દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવા મુક્તિ દિવસ પર આયોજીત થનારા કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણજીના ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં આયોજીત ગોવા મુક્તિ દિવસ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યુ. અનેક વિકાસ યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ પીએમ મોદી કરવાના છે.