સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાયો
10 તાલુકામાં મતગણતરી હાથ ધરવામા આવશે
મતગણતરી સેન્ટર બહાર 227 પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે
રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી તા.19ને રવિવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 68.56% મતદાન થયું છે. જેમાં સૌથી વધુ વલ્લભીપુર તાલુકામાં 79.38%અને સૌથી ઓછું ઘોઘા તાલુકામાં 55.14% મતદાન થયું છે. તો આ યોજાયેલી ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો મળી કુલ 4142 ઉમેદવારનો ભાવી મતદાન પેટીમાં સીલ થયા છે. જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્ર એ હાશકારો લીધો છે. આવતીકાલે જીલ્લાના 10 તાલુકાના 11 સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં રવિવારે 244 ગ્રામ પંચાયતો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુલ 5 લાખ 10 હજાર 307 મતદારો પૈકી 3,49,844 મતદારોએ મતદાન કર્યું હતું. તો આ સાથે જીલ્લામાં કુલ 68.56% મતદાન થયું હતું. મતદારોએ ઉત્સાહ અને જોમ સાથે મતદાન કર્યું હતું. તમામ મત પેટીઓને સીલ કરી જે તે તાલુકા મથકોએ સ્ટ્રોંગ રૂમ પર મૂકવામાં આવ્યા છે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આવતીકાલે સવારથી 10 તાલુકાના મતગણતરીના સેન્ટર પર ચૂંટણી અધિકારી 81, મદદનીશ ચુંટણી અધિકારી 81, મતગણતરી માટે સ્ટાફ 425, મતગણતરી કર્મચારીઓ 160, 12 જેટલા મતગણતરી સ્થળો પર પોલીસ સ્ટાફ 227 તથા આરોગ્ય સ્ટાફ 61 સહિત કુલ 1035 સ્ટાફ મુકવામાં આવ્યો છે. આવતીકાલ મંગળવારે સવારથી ભાવનગર 11 સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવશે, ભાવનગરમાં વિટીસી સેન્ટર વિદ્યાનગર, તાલુકા પંચાયત ઘોઘા, નગર પાલિકા ટાઉનહોલ સિહોર, પી.એમ. સર્વોદય હાઈસ્કૂલ ઉમરાળા, મામલતદાર કચેરી વલ્લભીપુર, પાલીતાણા હાઈસ્કૂલ, સેવા સદન જેસર, એમ.ડી પટેલ હાઈસ્કૂલ ગારીયાધાર, સરકારી વીનયન કોલેજ તળાજા, મહુવા નગર પ્રાથમિક શાળા નંબર 1 તથા 9 મહુવા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.