કલેકટરે વાન અને બાઇકને જિલ્લા પંચાયત ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું : કોરોના વાહનો જે ગામોમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે ત્યાં રસીકરણ વધારવામાં ઉપયોગી બનશે- કલેકટર યોગેશ નિરગુડે
ભાવનગર જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી વેગવાન બને તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોને બળ આપવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આવાં જ એક ઉપક્રમ અંતર્ગત કેર ઇન્ડિયા તરફથી ભાવનગર જિલ્લામાં રસીકરણની કામગીરીને વેગવાન બનાવવા માટે ૧૫ વાન અને ૧૫ બાઈકની ફાળવણી કરવામાં આવી છે. આ બાઈક અને વાહન દ્વારા જિલ્લાના જે ગામોમાં રસીકરણ ઓછું છે ત્યાં જઈને લોકોને સમજાવવા માટેની મદદ મળશે. તેમ જ ગામના લોકોને સમજાવીને રસીકરણને વધુ તેજ બનાવી શકાશે તેમ જિલ્લા કલેકટરશ્રીએ આ વાન અને બાઇકને જિલ્લા પંચાયત ખાતેથી પ્રસ્થાન કરાવતાં જણાવ્યું હતું. કલેકટરશ્રીએ જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં કોરોના રસીકરણની ૯૭ ટકા પ્રથમ ડોઝની કામગીરી થઇ છે. તદુપરાંત બીજા ડોઝની પણ પ્રથમ ડોઝના ૯૭ ટકા કામગીરી થઇ ચૂકી છે. હજી જે લોકો કોરોનાની રસી લેવામાંથી બાકાત છે તેવાં લોકો પણ આગળ આવી સામેથી રસી લઇ લે તે આરોગ્ય અને સ્વાસ્થ્યના હિતમાં છે. રસી લેવાથી કોરોના સામે એક સુરક્ષાચક્ર બનશે. જેનાથી આપણે આ સંક્રમણ સામનો સારી રીતે કરી શકીશું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. કેર ઇન્ડિયાના આ પ્રયાસને બિરદાવતાં કલેકટરશ્રીએ કહ્યું કે, કેર ઇન્ડિયા દ્વારા ભાવનગર જિલ્લામાં ’વૃદ્ધિ’નામનો પ્રોજેક્ટ પણ અમલી બની રહ્યો છે. જેમાં કુપોષણથી પીડાતાં બાળકો માટે આરોગ્ય વિભાગ સાથે સંયુક્ત પ્રયત્નો કરવામાં આવનાર છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ભાવનગર જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી માટે જે પ્રયત્નો કરવામાં આવ્યાં છે તેને કલેકટરશ્રીએ બિરદાવ્યા હતાં. આ પ્રસ્થાન વેળાએ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે. તાવિયાડ, કેર ઇન્ડિયાના સંયોજકશ્રી મુકુંદ રામાવત,આરોગ્ય વિભાગના કર્મચારીઓ અધિકારીઓ અને કેર ઇન્ડિયાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.