વલ્લભીપુર તાલુકામાં કુલ 8 પૈકી 5 ગ્રામપંચાયતો સમરસ થઈ હતી
રાજ્યની ગ્રામપંચાયતોની ચૂંટણીનું આજે મતગણતરી ચાલી રહી છે. ત્યારે ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં કુલ 8 પૈકી 5 ગ્રામપંચાયતો સમરસ થઈ હતી. જોકે, કંથારિયા, કાનપર અને નવાગામ ગ્રામપંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરેરાશ 79 ટકા જેટલું મતદાન થયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે મતગણતરીનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ જાહેર થયેલા પરિણામોમાં કાનપર ગ્રામ પંચાયતમાં 137 મતની લીડથી વિનુ ગોબરભાઇ જમોડ વિજેતા જાહેર થયા હતા. જ્યારે કંથારીયા ગામના ભાવેશ સોલંકી 212 મતની લીડથી વિજેતા બન્યા છે અન્ય એક પંચાયત નવાગામ ગાયકવાડીમાં સરપંચના ઉમેદવાર માનંસગ ચૌહાણ 29 મતની લીડે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કંથારીયા ગ્રામપંચાયતમાં કુલ 1333 મતદારોમાંથી 1129 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં 503 સ્ત્રી મતદારો અને 626 પુરુષ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 84.69 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે કાનપર ગ્રામ પંચાયતમાં કુલ 1842 મતદારો પૈકી 1451 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં 659 મહિલા અને 792 પુરુષ મતદાતાઓએ મતદાન કરતા 78 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત નવાગામ ગ્રામ પંચાયતમાં કુલ 1698 મતદારો પૈકી 1288 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 559 મહિલા 729 પુરુષ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ 76 ટકા મતદાન નવાગામમાં થયું હતું. આજે પરિણામો જાહેર થતા ત્રણેય ગામોમાં વિજેતાઓને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યાં હતા.