પરીમલ ચોકથી પાણીની ટાંકી સુધીના રસ્તાના ડિવાઈડરમા ઘરના બગીચા જેમ નામો સાથેના કુંડા મુકાયા !! : લોકોની પરેશાની ભલે વધે, નામ અને શોભા વધારવાના ભારે અભરખા જોવા મળ્યા…
ભાવનગર શહેરમાં ક્યારે કોને શું સુઝે અને શું કરવા લાગે તે જ નક્કી નથી હોતું ! આવી અનેક ઘટનાઓ નજર સામે છે જ અને તેમાં વધુ એકનો હાલમાં ઉમેરો થયો છે. શહેરના વાઘાવાડી રોડ પર રોડની મધ્યમાં આવેલા ડિવાઇડરમાં ફરી એકવાર કુંડા મુકવાની કમતિ સુઝી છે, અગાઉ જે તે સમયે અહીં આવો જ દેખાડો કર્યો હતો અને હવે ગ્રીન સીટી સંસ્થાએ કુંડા મૂકીને ડિવાઈડરને ગાર્ડન બનાવવાનું શરૂ કર્યું છે !! શહેરના વાઘાવાડી રોડ પર પરિમલ ચોકથી શરૂ કરી પાણીની ટાંકી સુધીના રોડની વચ્ચે આવેલા ડિવાઈડરમા છોડ અને નાના વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ સારી બાબત છે અને આ વૃક્ષો અને ડિવાઈડરની જાળવણી થાય તે અનિવાર્ય અને આવકાર્ય છે. જો કે હાલમાં એક સંસ્થાએ આ ડિવાઈડરની જાળવણીની સાથે અહીં પોતાની પબ્લિસિટી સાથેના કુંડાઓ પણ મૂકી દીધા છે !! અત્રે એ યાદ અપાવવું રહે કે અગાઉ ડિવાઇડર પર કુંડાઓ મુકાયા હતા અને એ કુંડાઓ ઢોર અને અન્ય તત્વો દ્વારા રોડ પર ફેંકી તોડી નખાતા વાહન અકસ્માતો સર્જાયા હતા તથા લોકોને પારાવાર મુશ્કેલી પણ સર્જાઇ હતી. આવું જ ફરી એકવાર આ ગ્રીન સીટી સંસ્થાને સુઝ્યું છે અને ઘરના બગીચાની જેમ ડિવાઈડર પર કુંડાઓ મુકતા આશ્ચર્ય સર્જાયું છે. કોઈ સંસ્થા વૃક્ષોની જાળવણી કરે તેમાં ખોટું નથી પરંતુ પબ્લિસિટી માટે અને લોકોની અગવડતા વધે તે રીતે આ પ્રકારે માત્ર શોભા ઉભી કરવી તે અયોગ્ય છે. ઘાટ્ટા લીલા રંગે રંગીને મોટા અક્ષરે નામ લખીને આ આખા રોડના ડિવાઇડર પર મુકાયેલા કુંડાઓ શહેરને ગ્રીન સીટી બનાવવામાં કેટલા ઉપયોગી છે તે વિચારવું જરૂરી છે. સારા કામનો વિરોધ ન જ હોઈ શકે પરંતુ યોગ્ય પ્રમાણભાન ચૂકાઈ ત્યારે કાન આમળવો પણ એટલો જ જરૂરી હોય છે. ડિવાઈડર તે માત્ર પ્રસિધ્ધ માટેની જગ્યા બની ન જાય તે જોવું અનિવાર્ય છે.