૨૨ ડિસેમ્બરના રોજ ભારતીય મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ અયંગર રામાનુજની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે

102

ભારત માટે ૨૨ ડિસેમ્બરનો દિવસ ખુબ ગૌરવશાળી છે. ૨૨ ડિસેમ્બર ના રોજ મહાન ભારતીય અવાર્ચિન ગણિતજ્ઞ શ્રી નિવાસ રામાનૂજનની સ્મૃતિમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે.રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવવાની ઘોષણા શ્રીનિવાસ રામાનુજનની ૧૨૫મી જન્મ જયંતીના અવસરે ૨૬ ફેબ્રુઆરી , ૨૦૧૨ ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે કરી હતી આ ઉપરાંત ભારતે ૨૦૧૨ ના વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે પણ ઉજવ્યું હતું . વર્ષ ૧૮૮૭ ૨૨ ડિસેમ્બર ૨૨ ડિસેમ્બરના દિવસે ભારતીય મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ અયંગર રામાનુજનો જન્મ કોયંબતૂરના ઈરોડ ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ કોમાલાથમ્મલ હતું અને પિતાનું નામ શ્રીનિવાસ આયંગર હતું. તેમના જન્મ બાદ કુટુંબ કુંમ્બકોણમમાં સ્થાયી થયો હતો. પિતા સાડીની દુકાનમાં કારકુનની નોકરી કરતા હતા અને તેની માતા ગૃહિણી હતી. તેમની ગણના આધુનિક કાળના દેશદુનિયાના મહાન ગણિત વિચારકોમાં થાય છે. તેમણે પોતાના જીવનકાળમાં ગણિત વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રોમાં વિસ્તૃત યોગદાન આપ્યું હતું. બાળપણથી જ તેઓને ગણિતમાં રૂચિ હતી અને એવું પણ કહેવાય છે કે નાનપણમાં શિક્ષાનો અભાવ હોવા છતાં તેમણે ૧૩ થી ૧૪ વર્ષની ઉમરમાં પ્રમેય શોધ્યો હતો અને તેમાં સફળતા પણ મેળવી હતી. તેમણે ત્રિકોણમિતિમાં મહારત હાંસલ કરી લીધી હતી અને અન્ય કોઈની મદદ વિના થ્યોરમ્સ(પ્રમેય)ને પણ વિકસિત કર્યો હતો. તેના પરિણામે તેમણે વિશ્વને અપૂર્ણાંક, અનંત શ્રેણી, નંબર થિયરી, ગણિતશાસ્ત્ર વિશ્લેષણ ( મેથેમેટિકલ એનાલીસિસ ) વગેરે આંતરિક ગણિતના વિષયોમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપીને ગણિતના ઇતિહાસમાં અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.રામાનૂજનનું ગણિતમાં યોગદાન રામાનૂજનનો ખૂબજ ગરીબ પરીવારમાં જન્મ થયો હતો. તેમની પાસે ગણિતના દાખલા અને સૂત્રો ગણવા માટે કાગળ ખરીદવાના પૈસા ન હતા.રામાનૂજન સ્કૂલમાં ગણિતમાં માર્કસ સારા આવતા હતા પરંતુ ભાષા સાહિત્ય અને ઇતિહાસ વિષયમાં ખૂબજ મુશ્કેલી પડતી હતી. કોલેજમાં તો તેઓ વારંવાર નપાસ થવાના કારણે શિષ્યવૃતિ બંધ થઇ જતા અભ્યાસ છોડી દેવો પડયો હતો. ૧૯૧૨માં મદ્રાસ પોર્ટ ટ્રેસ્ટના કાર્યાલયમાં ૩૦ રુપિયા માસિક પગારે કલાર્કની નોકરી સ્વીકારી હતી. ૧૬ જાન્યુઆરી ૧૯૧૩ના રોજ ઇગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વસિટીના પ્રોફેસર જી એચ હાર્ડીને ૧૧ પાનનો એક પત્ર લખ્યો. તેમાં ૧૨૦ જેટલા પ્રમેય પણ મોકલ્યા.પ્રોફેસર હાર્ડી પ્રેમેય વાંચીને પ્રભાવિત થયા અને રામાનુજનને ઇગ્લેન્ડ બોલાવી લીધા હતા.૧૯૧૫માં રામાનૂજન અને પ્રોફેસર હાર્ડીએ સાથે મળીને ૯ ગણિત સંશોધન પ્રકાશિત કર્યા હતા. ૧૯૧૭માં લંડનની રોયલ સોસાયટીએ ફેલો જાહેર કર્યા હતા. લંડનમાં તેમની તબિયત ખરાબ થતા ૨૭ માર્ચ ૧૯૧૯ના રોજ ભારત પાછા ફર્યા હતા. ૧૨ જાન્યુઆરી ૧૯૨૦ના રોજ પ્રોફેસર હાર્ડીને લખેલા પત્રમાં તેમને મોકથીટા ફલન નામના ગણિત સંશોધન અંગે જાણકારી આપી જેમાં ૬૫૦ જેટલા સૂત્રો હતા. રામાનૂજનની નોટબુક ભાગ -૧ અને ભાગ -૨ તેમની પ્રસિધ્ધ ગણિત પુસ્તકો છે. તેના પર ૧૦૦ થી વધુ લોકો પી એચડી થયા છે. ભારતના આ ગણિતશાસ્ત્રીને આંતરરાષ્ટ્રીય પરિષદો અને સેમિનારોમાં યાદ કરવામાં આવે છે. રામાનૂજને મેથ્સમાં એનાલિટિકલ થિઓરી ઓફ નંબર,એલિપ્ટિકલ ફંકશન અને ઇનફાઇનાઇટ સીરિઝ પર ખૂબ કામ કર્યુ હતું રામાનુજને કોઈ મદદ વિના હજારો રિઝલ્ટ, ઇક્કેશનના સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણા મૌલિક હતા જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થિટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થિટા ફંક્શન વગેરે. તેઓએ ડાઇવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hypergeometric series અને જેટા ફંન્કશનના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. ૧૭૨૯ નંબર હાર્ડી – રામાનુજન નંબરના રૂપે પણ પ્રચલિત છે.
શ્રીનિવાસ રામાનુજનની જીવનની આત્મકથા ” ધ મેનુ હુ ન્યુ ઇન્ફિનિટી ” ૧૯૯૧ માં પ્રકાશિત થઇ હતી. ૨૦૧૫ માં તેના પર આધારિત ફિલ્મThe Man Who Knew Infinity રિલીઝ થઇ હતી.
આસી.પ્રો.ડો સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ -ભેસાણ

Previous articleહવે વિરાટ સેન્ચુરી પર સેન્ચુરી ફટકારશે : સુનીલ ગાવસ્કર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે