હોમ રાશન પ્લાન્ટનો શિલાન્યાસ, યોગી સરકારે મહિલાને જે સન્માન આપ્યું છે તે અભૂતપૂર્વ હોવાનો મોદીનો દાવો
નવી દિલ્હી, તા.૨૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે મહિલા સ્વયં સહાયતા સમૂહોની મહિલાઓની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીએ આજે પ્રયાગરાજ ખાતે ૧.૬૦ લાખ મહિલા સ્વયં સહાયતા સમૂહો માટે રૂ. ૧,૦૦૦ કરોડ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ પ્રયાગરાજ ખાતે આયોજિત મહિલા સશક્તિકરણ સંમેલનમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાની રાશિ સ્વયં સહાયતા સમૂહોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી તે સિવાય ૨૦૨ ટેક હોમ રાશન પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન મોદીએ સ્થાનિક ભાષામાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી. વડાપ્રધાને મહિલાઓને સંબોધિત કરતાં કહ્યું કે, ગત વર્ષે કુંભમાં હું આ પવિત્ર ભૂમિ પર આવ્યો ત્યારે સંગમમાં ડૂબકી લગાવીને અલૌકિક આનંદ મળ્યો. પ્રયાગરાજથી સાહિત્યની જે ત્રિવેણી વહી તેના આચાર્ય હજારી પ્રસાદ દ્વિવેદી પણ સંપાદક રહ્યા. આપણી માતૃશક્તિની પ્રતીક આ તીર્થ નગરી માતા ગંગા, યમુના અને સરસ્વતીની સંગમ નગરી છે. આ આપણું સૌભાગ્ય છે કે, તમે મહિલાઓ અમને આશીર્વાદ આપવા આવી છો. વધુમાં વડાપ્રધાને કહ્યું કે, હવે મહિલાઓ પહેલાની સરકારોવાળો સમય પાછો નહીં આવવા દે. યોગી સરકારે યુપીની મહિલાઓને જે સન્માન આપ્યું છે તે અભૂતપૂર્વ છે. મહિલાઓનું જીવન પેઢીઓનું જીવન બદલનારૂ હોય છે. માટે જ ૨૦૧૪માં માતા ભારતીના મોટા સપના અને આકાંક્ષાઓ સાકાર કરવાનું બીડું ઝડપ્યું તો દીકરીઓના સપના પૂરા કરવાનો પણ નિશ્ચય કર્યો. દીકરીઓ જન્મ લે તે માટે અમે બેટી બચાવો, બેટી પઢાવોના માધ્યમથી સમાજની ચેતના જગાડવાનો પ્રયત્ન કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યુપીમાં મહિલાઓના વિકાસ માટે જે કામ થયું છે તેને આજે આખો દેશ જોઈ રહ્યું છે. આજે મને મુખ્યમંત્રી સુમંગલા યોજનાની લાખો મહિલાઓના એકાઉન્ટમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાનું સૌભાગ્ય મળ્યું. યુપીમાં બેંક સખીનું જે અભિયાન શરૂ થયું છે તે મહિલાઓના જીવનમાં મોટો બદલાવ લાવી રહ્યું છે. ડીબીટી દ્વારા સરકાર પાસેથી સીધું ખાતામાં આવે છે. પૈસા ઉપાડવા માટે બેંક સુધી નથી જવું પડતું. બેંક સખી દ્વારા ઘરે જ આ પૈસા મળી જાય છે. આ રીતે ગામ સુધી બેંક આવે છે તે કોઈ નાનું કામ નથી. યુપી સરકારે આ બેંક સખીઓ પર ૭૫ હજાર કરોડ રૂપિયાની લેવડ દેવડની જવાબદારી સોંપી છે. ગામમાં જેટલી લેવડ-દેવડ થશે તેટલી તેમને પણ આવક થશે. આ મોટા ભાગે એવી બહેનો છે જેમના પાસે થોડા દિવસ પહેલા પોતાનું બેંક એકાઉન્ટ પણ નહોતું. હવે તેમના હાથમાં ફિઝિકલ બેન્કિંગની શક્તિ આવી ગઈ છે.