સ્વિમિંગ પૂલ પ્રકરણ હોય કે દારૂની ઘટના કોઈ આ અધિકારીને હાથ પણ અડાડી શકી નથી !?
ભાવનગર મહાપાલિકાના ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ અનેક પ્રકરણોમાં દોષિત ઠરી ચૂક્યા છે અને સાથે તેમણે જે તે સમયે કૌભાંડના પુરાવા પણ નાશ કર્યોનુ જાહેર થયું છે. આમ છતાં મહાપાલિકા તેની સામે પગલા લેવામાં વામણી પુરવાર થઇ છે. કોરોના કાળ દરમિયાન એપિડેમિક એક્ટનું ઉલ્લંઘન કરવા જેવી ગંભીર બાબતમાં પણ આ અધિકારી સામે પગલા ન લેવાતા જાતજાતના તર્કવિતર્ક થઈ રહ્યા છે. મહાપાલિકાના ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ ગોહિલ વખતોવખત વિવાદમાં આવી ચૂક્યા છે. કોરોનાકાળ દરમિયાન સ્વિમિંગ પૂલ ચાલુ રાખી તેમાં લાગતા વળગતાને ગેરકાયદે એન્ટ્રી આપી ગંભીર એવો એપેડેમીક એક્ટ પણ તેમણે તોડ્યો હતો. આ ઉપરાંત અમરેલી ભાવનગર રોડ પર નશો કરેલી હાલતમાં પણ તેઓ પકડાયા હતા. હાલમાં પણ તેઓ ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના વડાઓ સાથે ચર્ચા કર્યા વગર મનઘડત નિર્ણયો લઇ વિવાદ ઊભા કરી રહ્યા છે. શહેરમાં અનેક કામો હજુ ઉભા છે તે કરવાને બદલે ’અહીંથી તહીં’ કરીને અધિકારી સંતોષ માની રહ્યા છે. આ કામગીરી પાછળ તેમનો હેતુ શું હોઈ શકે?? આવી ચર્ચા મહાપાલિકા વર્તુળઅને લોકોમાં થઈ રહી છે.