સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારતનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રૂપાળું સૂત્ર વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે ધ્વસ્થ થઈ રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષોથી ગામની ગંદકી અને કીચડભર્યા માર્ગ રીપેર કરવા માટે સ્થાનિકોની વારંવારની રજૂઆતો બહેરા કાને અથડાઈને પરત ફરી છે. ચમારડીના સરપંચ ગ્રામીણોની તકલીફ જોઈને વિકૃત આનંદ માણી રહ્યા હોવાથી હવે સ્થાનિકો રોષે ભરાયા છે.
ચમારડી ગામે જ્યાં ગ્રામપંચાયત આવેલી છે ત્યાં જ ગંદકીના ગંજ ખડકાયા છે અને ખુલ્લી ગટરનું પાણી બીમારીને નિમંત્રણ આપતું વહી રહ્યું છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આ જગ્યાએ જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, સ્કૂલ, બેન્ક અને મધ્યાન ભોજન યોજના કેન્દ્ર આવેલુ હોવા છતાં લોકોની હાલાકી દૂર કરવાનું કોઈને સૂઝતું નથી. પુષ્કળ ગંદકીથી ખદબદતા સ્થળ નજીક જ સેંકડો બાળકો ભોજન કરવા મજબુર છે. રોજના સેંકડો ગ્રામજનો આ વિસ્તારમાંથી મહામહેનતે અને જીવનના જોખમે પસાર થાય છે. ગ્રામપંચાયતનું વીજ જોડાણ તો બાર વર્ષનો બાળક પણ અડી શકે એટલું નીચેથી પસાર થાય છે. ત્યારે ન કરે નારાયણ અને જો આ જીવતા વીજ વાયરને કોઈ બાળક સ્પર્શી જાય તો એનો જીવનદીપ બુઝાઈ જઈ શકે છે. તમામ પ્રકારે સાવ ઘણીધોરી વગરની ગ્રામપંચાયતને પાપે ક્યારેક મોટો અકસ્માત સર્જાવવાની ભીતિ સેવાઇ રહી છે. શાળાની વિદ્યાર્થીનીઓ માટે સ્કૂલે જવાનો રસ્તો નર્કાગારથી કમ નથી. પુષ્કળ ગંદકીનું સમ્રાજ્ય હોવાથી વિસ્તારના લોકો માથે મહામારીનું સંકટ સદાય તોળાયેલું રહે છે. ત્રેવડ વગરના સરપંચ હોવાનું લોકો માનતા નથી પણ સરપંચની નિયત વિશે લોકો જરૂર શંકા કરી રહ્યા છે. સ્થાનિક પ્રશ્નો નિવેડો લાવવાનું કામ ગ્રામપંચાયત અને સરપંચે જ કરવાનું હોય છે. ગ્રામપંચાયત પણ નજીકમાં જ છે છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે આ ગંદી મજાક કરવા માટે માત્ર અને માત્ર સરપંચને જ લોકો જવાબદાર ઠેરવી રહ્યા છે. ટીડીઓ, ડીડીઓ, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને કરાયેલી વારંવારની રજૂઆતો બાદ ચમારડીના ગ્રામજનો સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોય હવે સ્થાનિકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.
તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી