ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું આપના કાર્યકરોએ ભાજપના હાય-હાયના નારા લગાવ્યા
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા ધરણા યોજવામા આવ્યા હતા. ક્રેસન્ટ સર્કલ ખાતે રામધૂન યોજી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીની મુખ્ય માંગણીઓ જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવામાં આવે અને અસિત વોરા સહિત પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ ઉપર કાયેદસરની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે, અગાઉના પેપર લીકને કારણે રદ થયેલી પરીક્ષા સહિતના તમામ વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતના વળતર તરીકે રૂપિયા 50 હજાર ચુકવવામાં આવે, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને કોઈ પ્રમાણિક અને નિષ્પક્ષ અધિકારીની નિમણુંક કરવામાં આવે, આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતીની રચના કરી અને તપાસ સોંપવામાં આવે, અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. તાજેતરમાં ગાંધીનગરમાં કમલમમાં આપના કાર્યકરોએ તરખાટ મચાવ્યો હોય આથી સફાળા જાગેલા સરકારી-તંત્ર આપ ની કોઈ જ બાબત હળવાશથી નથી લઈ રહ્યાં અને કડક બંદોબસ્ત ગોઠવી વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો ને નિષ્ફળ બનાવવા હુકમ કર્યો છે.