કેપ્ટનને કારણ વગર હટાવવા બીસીસીઆઇની જૂની આદત, વિરાટ સારી વિદાઈનો હકદાર હતો : વેંગસરકર

109

મુંબઇ,તા.૨૩
બીસીસીઆઇ અને વિરાટ કોહલી વચ્ચે ચાલી રહેલા કેપ્ટનશીપ વિવાદમાં વિરાટને ભૂતપૂર્વ સિલેક્ટર દિલીપ વેંગસરકરનું સમર્થન મળી રહ્યું છે. દિલીપ વેંગસરકરે કહ્યું કે ભારતીય ટીમના કેપ્ટનોને બિનજરૂરી રીતે હટાવવાની બીસીસીઆઇની જૂની આદત છે. વિરાટના પ્રદર્શનને જોતા તે વધુ સારી વિદાયનો હકદાર હતો. ખલીજ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં વેંગસકરે કહ્યું, પસંદગી સમિતિ તરફથી ગાંગુલીના બોલવાનો કોઈ મતલબ નહોતો. ગાંગુલી બીસીસીઆઇના પ્રમુખ છે. મુખ્ય સિલેક્ટરે બહાર આવવું જોઈએ અને ભારતીય ટીમમાં સિલેક્શન અને કેપ્ટનશીપને લઈને ચાલી રહેલા વિવાદ અંગે નિવેદન આપવું જોઈએ. ઈન્ટરવ્યુમાં વેંગસરકરે ઘણા મુદ્દાઓ પર દાદા પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ’ગાંગુલીએ સમગ્ર મામલે પોતાનો અભિપ્રાય આપ્યો. એટલા માટે વિરાટ પણ પોતાની વાત સ્પષ્ટ કરવા માંગતો હતો. હું માનું છું કે તે પસંદગી સમિતિના અધ્યક્ષ અને કેપ્ટન વચ્ચેનો મામલો હતો. પસંદગી સમિતિ દ્વારા કેપ્ટન નક્કી કરવામાં આવે છે અથવા દૂર કરવામાં આવે છે, આ ગાંગુલીના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું.વિરાટે ભારતીય ક્રિકેટ અને પોતાના દેશ માટે મહત્વનું યોગદાન આપ્યું છે અને તે વધુ સારી વિદાયને પાત્ર હતો. ભારતીય કેપ્ટનોને બિનજરૂરી રીતે હટાવવા એ બોર્ડની જૂની પરંપરા છે. આને બદલવાની જરૂર છે. વિરાટ કોહલીને વનડેની કેપ્ટનશીપથી હટાવવાનો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. સાઉથ આફ્રિકા જતા પહેલા ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટે કહ્યું હતું કે તે વનડેમાં પણ કેપ્ટનશિપ કરવા માગતો હતો, પરંતુ બોર્ડે ટેસ્ટ ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા જ તેને વનડેની કેપ્ટનશીપ પરથી હટાવવાની જાહેરાત કરી દીધી હતી. તેણે એમ પણ કહ્યું કે બોર્ડને ટી ૨૦ કેપ્ટનશીપ છોડવાના તેના નિર્ણયથી કોઈ સમસ્યા નથી. જ્યારે આ નિવેદન પહેલા ગાંગુલીએ કહ્યું હતું કે બોર્ડે તેને ટી ૨૦ની કેપ્ટન્સી છોડતા અટકાવ્યો હતો. ટીમ ઈન્ડિયા હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. કોહલી ટેસ્ટમાં ટીમનો કેપ્ટન છે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૬ ડિસેમ્બરથી રમાશે. આફ્રિકન શ્રેણીમાંથી જે પ્રકારના ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે. એવું લાગે છે કે ટીમમાં બધું બરાબર ચાલી રહ્યું છે. આ મુદ્દે આગળ શું થશે તે તો સમય જ કહેશે.

Previous articleજી લે જરા માટે પ્રિયંકાએ મેકર્સ સામે મૂકી એક શરત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે