પંજાબને હચમચાવવાનું કાવતરું : વકિલોની હડતાળ ચાલી રહી હોવાથી કોર્ટમાં વધારે ભીડ નહોતી, કોર્ટના બીજા ફ્લોર પર આ બ્લાસ્ટ થયો
લુધિયાણા, તા.૨૩
દિલ્હી બાદ હવે લુધિયાણાની કોર્ટમાં બ્લાસ્ટ થયો છે.જેમાં બે વ્યક્તિના મોત થયા છે અને ચાર ઘાયલ થયા છે. ધડાકાના અવાજ બાદ ચારે તરફ દોડધામ મચી ગઈ હતી.આ બ્લાસ્ટ કોણે કર્યો તે અંગે પોલીસ હજી અંધારામાં છે.પંજાબના સીએમ ચરણજિત સિંહ ચન્ની લુધિયાણા જવા માટે રવાના થઈ ગયા છે. દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચી છે.કોર્ટના બીજા ફ્લોર પર આ બ્લાસ્ટ થયો હતો.જાણકારી પ્રમાણે આ બ્લાસ્ટ લુધિયાણા કોર્ટની કોપી બ્રાન્ચમાં થયો છે.જોકે હાલમાં વકિલોની હડતાળ ચાલી રહી હોવાથી કોર્ટમાં વધારે ભીડ નહોતી.નહીંતર મોતનો આંકડો વધવાની શક્યતા હતી. ધડાકો એટલો શક્તિશાળી હતો કે ૬ માળની બિલ્ડિંગ હચમચી ગઈ હતી.એક કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો.આ બ્લાસ્ટ પાછળ કોઈ કાવતરુ હોવાની પણ શક્યતા છે.બ્લાસ્ટ કોર્ટના વોશરુમમાં થયો હોવાનુ બહાર આવ્યુ છે. બ્લાસ્ટના પગલે કોર્ટ પરિસરની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે.બ્લાસ્ટ કરવા પાછળ પંજાબમાં માહોલ ખરાબ કરવાનુ ષડયંત્ર પણ હોઈ શકે છે તેવી અટકળો થઈ રહી છે. પંજાબ સીએમનુ કહેવુ છે કે, જેમ જેમ પંજાબમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દેશ વિરોધી પરિબળો આ પ્રકારની હરકરતો કરી રહ્યા છે પણ સરકાર એલર્ટ છે અને લોકોએ પણ સચેત રહેવાની જરુર છે.