રાજ્યના શિક્ષણમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ થયેલી રજૂઆત
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, સરકારી ઇજનેરી કોલેજમાં પ્રોડક્શન શાખા પુનઃ શરૂ કરવામાં આવે. ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજમાં પ્રોડક્શન એન્જીનીયરીંગની શાખા શરૂ કરવાની જરૂરીયાત છે. ઈજનેરી ક્ષેત્રની મૂળભૂત અને પાયાની વિદ્યાશાખા છે. પ્રોડક્શન ઈજનેર ગુજરાત તથા દેશમાં આવેલ મુખ્ય ઉત્પાદન ક્ષેત્રો જેવા કે, કાસ્ટિંગ, ફોર્જીંગ, ફેબ્રીકેશન, રોલિંગ મિલ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, શીપ બિલ્ડીંગ અને શીપ રીસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ વગેરે જેવા ક્ષેત્રમાં પોતાની સેવા પ્રદાન કરી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ખાતે પ્રોડક્શન ઈજનેરીનો અભ્યાસક્રમ સરકાર દ્રારા ભાવનગર અને મોરબી ખાતે સરકારી ઈજનેરી કોલેજમાં ચલાવવામાં આવતો હતો જે પૈકી ભાવનગર ખાતે આ અભ્યાસક્રમ બંધ કરવામાં આવેલ છે. ભાવનગરની આસપાસ પ્રોડક્શન ઈજનેરની તાતી જરૂરીયાત ધરાવતા વિવિધ ઉદ્યોગો જેવા કે કાસ્ટિંગ, ફોર્જીંગ, ફેબ્રીકેશન, રોલિંગ મિલ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, શીપ બિલ્ડીંગ અને શીપ રીસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ વગેરે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે.
તદુપરાંત વ્હિકલ સ્ક્રેપ યાર્ડ તથા કન્ટેનર મેન્યુફેક્ચરીંગ હબની સ્થાપનાની દિશામાં કાર્યવાહી થઈ રહેલ છે. ભાવનગર તેમજ તેની આજુબાજુ તાલુકાના ઘણા વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ માટે આવી શકે તેમ છે, તેથી સ્થાનિક વિદ્યાર્થીઓ જે બીજા શહેરમાં જઈને ઈજનેરી શિક્ષણનાં ખર્ચાઓ ઉઠાવી શકે તેમ ન હોય જેથી ભાવનગરમાં જ આ શાખા શરૂ કરવામાં આવે તેવી ચેમ્બર દ્વારા માંગ કરવામાં આવી છે.