આગામી સમયમાં ફુલસર વિસ્તારમાં નવી શાળા બનાવવાનું શરૂ કરાશે કામઃ જીતુભાઈ વાઘાણી
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેમના મત વિસ્તાર ભાવનગર પશ્ચિમના હાદાનગર, રામદેવનગર, વડવા-બ અમર સોસાયટી, વરિયા પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં આશરે રૂ. ૭૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં આ વિસ્તારો વરસાદી પાણીના નિકાલની સમસ્યા, ગટર, પાણીની સમસ્યાથી પીડાતાં હતાં. પરંતુ ત્યાં વિકાસ થવાથી આજે સૌથી વધારે સોસાયટીઓ વિકસીત થવા સાથે વિકાસ દેખાઈ રહ્યો છે.એક સમયે શ્રમજીવી અને પછાત વિસ્તાર ગણાતાં આ વિસ્તારમાં હવે અદ્યતન ગગનચુંબી ઇમારતો બની રહી છે. જે આ વિસ્તારની થયેલી કાયાપલટને દર્શાવે છે તેમ જણાવી તેમણે શહેરની ગલી, શેરી સુધી લોકો માટેની પ્રાથમિક સગવડતાઓ ઊભી કરી છે તેમ ઉમેર્યું હતું. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચાલુ વર્ષે વિવિધ વિકાસ કાર્યો માટે રૂ. ૫૦૦ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. તેમણે કહ્યું કે, ભાવનગર શહેરનો વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાવનગર ફરતે બનનારા રીંગરોડ માટે રૂ. ૨૯૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેનાથી ભાવનગરનો વિકાસ વધુ ગતિ પકડશે આગામી સમયમાં ફુલસર વિસ્તારમાં નવી શાળા બનાવવાની શરૂઆત કરવામાં આવનાર છે. શિક્ષણ ક્ષેત્રમાં આગામી દિવસોમાં ખૂબ મોટો સુધારો લાવવામાં આવી રહ્યો છે. દેશનો વિદ્યાર્થી દેશ-દુનિયાની સ્પર્ધામાં ટકી શકે તેવાં સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે.