ભાવ.મહાપાલિકા અને પ્રાદેશિક કમિશનર કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

115

રૂ.૬૦ કરોડના ખર્ચે સાકારિત થનાર લોક વિકાસ કાર્યોનું ડિજિટલી ખાતમૂહુર્ત તેમજ લોકાર્પણ : જી.આઈ.એસ. આધારિત મિલકતની આકારણી કરનાર રાજ્યનું પ્રથમ શહેર બનતું ભાવનગર : પારદર્શિતાથી લોકોની જરૂરિયાત અનુસારની સગવડો સમયસર લોકોને પોતીકાપણાના ભાવ સાથે મળે તે સાચું સુશાસન છે : જીતુભાઈ વાઘાણી
ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર કચેરીના સંયુક્ત ઉપક્રમે ’ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ’અંતર્ગત કાર્યક્રમ આજે ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયો હતો. ભાવનગર શહેરમાં રૂ.૬૦ કરોડના ખર્ચે સાકારિત થનાર વિવિધ લોક વિકાસ કાર્યોનું ડિજિટલી ખાતમૂહુર્ત તેમજ લોકાર્પણ શિક્ષણ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અવસરે જણાવ્યું કે, પારદર્શિતાથી લોકોની જરૂરિયાત અનુસારની સગવડો સમયસર લોકોને પોતીકાપણાના ભાવ સાથે મળે તે સાચું સુશાસન છે. પારદર્શી સુશાસનને પરિણામે વચેટિયાઓમાંથી મુક્તિ મળી છે અને લાભાર્થીઓને હાથોહાથ લાભ મળી રહ્યો છે. ગઈકાલે શું હતું, આજે શું છે તેની કલ્પનાની અનુભૂતિ અને આવતીકાલ બહેતર બની રહેવાની છે તેઓ લોકોને વિશ્વાસ અપાવે તેવું શાસન ગુડ ગવર્નસ છે.

તેમણે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુશાસન માટે દેશભરમાં નામના ધરાવે છે અને હવે રાજ્ય ગુડ માંથી બેટર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જી.આઈ.એસ. પર આધારિત ડિજિટલ મિલકતવેરાની આકારણીની એપથી સમગ્ર શહેરનાં મકાનોની મિલકતવેરાની આકારણી કરવાના શરૂ કરેલી નવી એપ ની પ્રશંસા કરી હતી. ડિજિટલ ટેકનોલોજીથી સમય,શક્તિ બચવા સાથે ચોક્કસતા સાથે કાર્ય કરી શકાય છે. ટેકનોલોજીથી ગતિ મળે છે અને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સાકાર કરતું આ એક મહત્વપૂર્ણ કદમ છે. તેમણે સુશાસનની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સર્વ લોકોના સમાવેશ સાથે સંકલિતા સાથે સર્વગ્રાહી વિકાસ થાય અને લોકોના જીવનમાં સુધારો આવે તે સાચું સુશાસન છે. મહિના પહેલા જ આત્મનિર્ભર ગ્રામ યાત્રા દ્વારા કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતાં. તેના થોડા સમયમાં જ આજથી એક અઠવાડિયા સુધી સુશાસન સપ્તાહની ઉજવણી દરમિયાન હજારો કરોડના નવા લોકાર્પણ કરવામાં આવનાર છે. જે પારદર્શી શાસનની પ્રતીતિ છે.
શહેરના મેયર કીર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, રાજ્યમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે. રોડ- રસ્તા આપણે કલ્પના ન કરી શકીએ તે હદે સુંદર બની રહ્યાં છે. હવે તો આર.સી.સી.ના રોડ બની રહ્યા છે. ભાવનગરનું બોર તળાવ સૌની યોજનાથી બારેમાસ ભરાયેલું રહેવાનું છે. જે નર્મદાનાં દર્શન માત્રથી પાપ પણ ધોવાઇ જાય છે તે માં નર્મદાનું પાણી આપણા ઘરઆંગણે પહોંચ્યું છે. તેમણે ભાવનગર શહેર સ્વચ્છતામાં પણ અગ્રેસર બને તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શિક્ષણ મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બી.એલ.સી.ઘટક હેઠળ ૮૦૦ થી વધુ લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી રૂ.૩.૪૦ લાખની સહાય વિતરીત કરવામાં આવી હતી. નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત ક્ષમતા તાલીમ અને પ્લેસમેન્ટ ઘટક હેઠળ તાલીમ અને પ્લેસમેન્ટ મેળવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતાં.આ ઉપરાંત મહા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ, પર્યાવરણ અને ઇલેક્ટ્રીકલ/મિકેનિકલ) સંવર્ગના ૧૧ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરી સ્વરોજગાર કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અંતર્ગત લાભ મેળવેલ શહેરી ફેરિયાઓને સર્ટિફિકેટ ઓફ વેડિંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરતથી મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, પ્રાદેશિક નગરપાલિકાના કમિશનર અજય દહિયા તથા કોર્પોરેટરઓ, લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગર જિલ્લામાં આજે એક કોરોનાનો કેસ નોંધાયો
Next articleભાવનગર-મુંબઇ સ્પાઇસ જેટ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી થઇ