વિમાન ભાવનગરથી ૧૧.૨૦ના બદલે ૬.૧૫એ ઉપડ્યું, બે વખત રન-વે પરથી વિમાન ટેક-ઓફ થઇ શક્યુ નહીં
ભાવનગરથી મુંબઇની સ્પાઇસ જેટની ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાતા ૭ કલાક મોડું પડ્યુ હતુ. ભાવનગરથી નિર્ધારીત ૧૧.૨૦ કલાકે ઉપડનાર વિમાન મોડી સાંજે ૬.૧૫એ ઉપડ્યુ હતુ. મુસાફરોના ભાગે ભારે હેરાનગતિ આવી હતી, અને આગળના કનેકશન વિખેરાઇ ગયા હતા. ભાવનગરથી મુંબઇની ફ્લાઇટ નિર્ધારીત ૧૧.૨૦ કલાકે ઉપડે છે અને નિયમાનુસાર મુસાફરો ૯.૩૦ કલાકથી એરપોર્ટમાં આવી પહોંચ્યા હતા. ૧૨ વાગે મુસાફરોને વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા અને એન્જીન પણ ચાલુ કરવામાં આવ્યુ હતુ. પરંતુ ટેક-ઓફ થઇ રહ્યુ ન હતુ. લગભગ ૧.૧૫ કલાક વિમાનમાં મુસાફરો ભરાઇ રહેતા અંદર દેકારો મચી જતા મુસાફરોને રન-વે ઉપર ઉતારાયા હતા, અને તેઓ ત્યાંજ બેસી ગયા હતા. જો કે, સ્પાઇસજેટ તરફથી મુસાફરો માટે નાસ્તો, ઠંડા પીણા, ચા-કોફીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧.૪૫ કલાકે રન-વે પર વિમાન દોડાવાયુ પરંતુ પુનઃ કાંઇક ખામી સર્જાતા મુસાફરોને ઉતારવા પડ્યા હતા. ફરી એક વખત સાંજે ૫.૪૫ કલાકે મુસાફરોને પ્લેનમાં બેસાડાયા, અને એક કલાક રન-વે પર પ્લેન રહ્યું બાદમાં ૬.૧૫ કલાકે વિમાન ટેક-ઓફ થયુ હતુ અને મુંબઇ ખાતે ૭.૧૦ કલાકે પહોંચી ગયુ હતુ.