કેસમાં વધારો થતા લોકોને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવા અને માસ્ક પહેરવા માટે સૂચન કરાયું
મુંબઈ, તા.૨૬
કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયા ફરી એકવાર કેસમાં સામાન્ય વધારો થતો દેખાઈ રહ્યો છે. આવામાં ઓમિક્રોનના લીધે પણ ખતરો ઉભો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એક્સપર્ટ્સ અને ડૉક્ટરો દ્વારા કેટલાક રિપોર્ટ્સમાં ઓમિક્રોન ડેલ્ટા જેટલો જીવલેણ સાબિત ન થતો હોવાનું કહેવાઈ રહ્યું છે, આમ છતાં તેની ઝડપથી સંક્રમિત કરવાની ગતિને જોતા સાવચેતી રાખવાના સૂચનો કરવામાં આવી રહ્યા છે. આ સાથે ગઈકાલે ૧૮ વર્ષથી નીચેના નિશ્ચિત લોકોને રસી આપવા અંગેની જાહેરાત પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિને જોતા લોકડાઉનની જે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્વનું નિવેદન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું છે કે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા અંગે પહેલાથી જ કેટલાક નિયમ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ઓક્સિજનની દૈનિક માંગ ૭૦૦ મેટ્રિક ટન સુધી પહોંચશે તો આ અંગે નિર્ણય લેવાઈ શકે છે, પરંતુ આ આંકડો ૫૦૦ મેટ્રિક ટન પર પહોંચશે ત્યારે પણ વિચાર કરવામાં આવી શકે છે. આ જાહેરાતના એક દિવસ અગાઉ શુક્રવારે રાજ્યમાં કેસની સ્થિતિને જોતા સરકાર દ્વારા જરુરી નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સરકારે સાર્વજનિક સ્થળો પર રાત્રે નવથી સવારના ૬ વાગ્યા સુધી પાંચથી વધારે વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને કોરોના વાયરસ સંક્રમણના કેસ ઝડપથી વધતા સાર્વજનિક કાર્યક્રમોમાં લોકોની સંખ્યા પર પ્રતિબંધ લગાવી દેવાયા હતા. પત્રકારો સાથે કરેલી વાતચીતમાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે પરંતુ સામાન્ય રીતે દર્દીઓને ૈંઝ્રેંમાં દાખલ કરવાની જરુર પડી નથી, આ સિવાય તેમને ઓક્સિજન સપોર્ટ પર પણ રાખવાની જરુર જણાઈ નથી. રાજ્ય સરકાર દ્વારા હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટ ડોઝ આપવાની મુદ્દો ઉઠાવવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું છે રાજ્યના ૮૭% વસ્તીએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ તો લઈ જ લીધો છે. સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને લોકડાઉન જેવી સ્થિતિમાં પડવું ના પડે તે માટે મહત્વના સૂચનો પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે લોકોને વધારે પ્રતિબંધોનો સામનો કરવો પડે. માટે હું લોકોને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરું છું. માસ્ક પહેરવું જરુરી છે.