શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ, ગાઢ ધૂમ્મસ વચ્ચે અમુક સ્થળે છાંટા પણ પડ્યા
ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 28 ડિસેમ્બરના રોજ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠું થશે, જેથી આજે મંગળવારે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. જેને કારણે ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ઉપરાંત આવા વાતાવરણને પગલે પાકને નુકશાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા હતા. રાજ્યના હવામાન વિભાગે સમાપ્ત થતાં વર્ષના અંતે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના દર્શાવી છે. મધ્ય ગુજરાતના અનેક શહેરોમાં તથા સૌરાષ્ટ્રના દ્વારકા પંથકમાં ગઈકાલે સોમવારે હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતાં.
ત્યારે આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અકબંધ રહેવા સાથે કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. ગત નવેમ્બર માસના સમાપન સમયથી લઈને ડિસેમ્બર માસના ત્રણેક દિવસ સુધી સૌરાષ્ટ્રના ભાવનગર સહિત અનેક તટવર્તિય વિસ્તારોમાં ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. હવે ડિસેમ્બર માસ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે વાતાવરણમાં એકાએક ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. પરીણામે રાજ્યના હવામાનમાં અણધાર્યો પલ્ટો આવ્યો છે. એની સાથે જ આગામી બે દિવસ દરમિયાન મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થાય એવી શક્યતા પ્રબળ બની રહી છે. સૌરાષ્ટ્ર સાથે ભાવનગર શહેર-જિલ્લામાં બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવા ઉપરાંત હળવા ઝાપટાં વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ભર શિયાળે વારંવાર ડહોળાઈ રહેલ વાતાવરણને પગલે લોકોમાં આશ્ચર્ય વ્યાપ્યુ છે. તો બીજી તરફ રવિ સિઝનના વાવેતર તથા તૈયાર પાકો પર આ માવઠાની ગંભીર માઠી અસરો વર્તાવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલના દિવસોમાં બાગાયતી ખેતીમાં આંબા ઉપર મોર બેસવાની શરૂઆત થઈ ગઈ છે. જો વરસાદ થાય તો મોર ખરી જાય, ઉપરાંત રોકડીયા પાકોને પણ ભારે નુકસાન થવાની શક્યતા રહે છે. નોંધનીય છે કે આજે સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વહેલી સવારે ગાઢ ધૂમ્મસ વચ્ચે અમુક સ્થળે છાંટા પડ્યા હતાં.