ઓમિક્રોનના સંકટ વચ્ચે રાહતના સમાચાર : સ્વાસ્થ્ય મંત્રાલયે એક જ દિવસમાં કોરબેવેક્સરસી, કોવોવેક્સ રસી અને એન્ટી વાયરલ ડ્રગ મોલનુપિરાવિરને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી
નવી દિલ્હી, તા.૨૮
કોરોના વાયરસના વધતા કેસ અને ઓમિક્રોનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની એક દવા અને બે નવી રસીને મંજૂરી આપી દીધી છે. ભારતમાં હવે બે નવી રસી કોરબેવેક્સ અને કોવોવેક્સને મંજૂરી મળી છે. આ ઉપરાંત કોરોનાની દવા મોલનુપિરાવિરને પણ મંજૂરી મળી છે. આ અવસરે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતને અભિનંદન! કોવિડ-૧૯ વિરુદ્ધ લડાઈ મજબૂત બનાવવા માટે સીડીએસસીઓ, સ્વાસ્થ્ય મંત્રાલયે એક જ દિવસમાં કોરબેવેક્સરસી, કોવોવેક્સ રસી અને એન્ટી વાયરલ ડ્રગ મોલનુપિરાવિરને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વધુ એક ટ્વીટમાં જણાવ્યું કે કોરબેવેક્સ રસી કોવિડ-૧૯ વિરુદ્ધ ભારતની પહેલી સ્વદેશી રીતે વિક્સિત આરબીડીપ્રોટીન સબ યૂનિટ વેક્સીન છે. જેને હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા બનાવવામાં આવી છે. આ એક હેટ્રિક છે! હવે ભારતમાં ત્રીજી કોરોના રસી પણ વિક્સિત થઈ ચૂકી છે. તેમણે પોતાની અન્ય એક ટ્વીટમાં લખ્યું કે નેનોપાર્ટિકલ રસી, કોવોવેક્સનું નિર્માણ પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ટ્વીટમાં લખ્યું કે મોલનુપિરાવિર, એક એન્ટીવાયરલ ડ્રગ હવે દેશમાં ૧૩ કંપનીઓ દ્વારા કોવિડ-૧૯ના વયસ્ક દર્દીઓની સારવાર અને જેમનામાં બીમારી વધવાનું ઉચ્ચ જોખમ છે, તેમના માટે ઈમરજન્સી સ્થિતિમાં મર્યાદિત રીતે ઉપયોગ માટે નિર્મિત કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ કોવિડ-૧૯ વિરુદ્ધ લડતને પોતે આગળ રહીને લીડ કરી છે. આ તમામ એપ્રુઅલ વૈશ્વિક મહામારી વિરુદ્ધ ગ્લોબલ ફાઈટને મજબૂતી આપશે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ સમગ્ર વિશ્વની સંપત્તિ છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા!