ભાવનગરના ઘોઘા બંદરે સ્વદેશી ડોલ્ફિનનું વિશાળ ઝુંડ જોવા મળ્યું, ખાડીને કાયમી વસવાટ તરીકે સ્વિકારી હોવાનો તજજ્ઞોનો દાવો

113

ખાડીમાં પોષકતત્વોની ભરમાર અને યોગ્ય વાતાવરણ મળતા સ્થાયી થયા હોવાનું અનુમાન ભાવનગરથી મહુવાના ડોળીયા ગામનાં સમુદ્રમાં ઈન્ડિયન ડોલ્ફિનનું મુક્તપણે વિચરણ
ભાવનગર જિલ્લાના ઘોઘા બંદરે ફરી એકવાર સ્વદેશી ડોલ્ફિનનું વિશાળ ઝુંડ જોવા મળતાં રજાની મજા માણવા આવેલાં લોકો આ સમુદ્રી શાંતિદૂતને નીહાળી રોમાંચિત થયા હતા. સાગરકાંઠા નજીક અવારનવાર આવી ચડતી દેશી ડોલ્ફિને ભાવનગરની ખાડીને હવે કાયમી વસવાટ તરીકે સ્વિકારી લીધી હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે. અરબી સમુદ્રમાં વસવાટ કરતી અને દરવર્ષે ચોમાસાની સિઝન પૂર્ણ થવાની તૈયારીમાં હોય એ દરમિયાન આહારની શોધમાં ડોલ્ફિનોના વિશાળ ઝુંડ અંદાજે ૧૫૦૦થી ૨૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડી ભાવનગરની ખાડીમાં આવે છે. આ ડોલ્ફિન ભાવનગરના દરિયાને પાર કરી છેક ખંભાત સુધી જાય છે. જ્યાં તાપી, સાબરમતી, નર્મદા, વિશ્વામિત્રી સહિતની મહાનદીઓ સમુદ્રમાં ભળે છે. આ નદીઓનાં મુખ પાસે ચોમાસાના સમયમાં ભારે પૂર સાથે પ્રચૂર માત્રામાં કાંપ સાથેના પોષકતત્વો અને અન્ય જીવ પણ ઢસડાઈને સમુદ્રમાં આવે છે. જેનો ખોરાક તરીકે ડોલ્ફિન ઉપયોગ કરે છે અને નવા આહારનો ભરપૂર માત્રામાં લુત્ફ ઉઠાવે છે. ડોલ્ફિન માણસો સાથે સરળતાથી હળીભળી જાય છે. આથી તેને દરિયાના શાંતિદૂતની ઉપમા આપવામાં આવી છે. ચોમાસા બાદ લગભગ બે માસ જેવો સમય ખાડીમાં પસાર કર્યાં બાદ આ ડોલ્ફિન ફરી સફર શરૂ કરે છે અને પુનઃ ઉંડા દરિયામાં જતી રહે છે. પરંતુ આ સમુદ્રી જીવો અંગે છેલ્લા એક દાયકાથી અભ્યાસ કરતાં ગુજરાત મરીન બાયોલોજીના સાયન્ટિસ્ટ પરાગ વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ભાવનગર જિલ્લાના દરીયામાં આ ઈન્ડિયન ડોલ્ફિનના ઝુંડો કાયમી ધોરણે વસવાટ કરી રહ્યાં છે. તેમણે હવે લગભગ સ્થળાંતર થવાનું બંધ કર્યું છે. પાંચ વર્ષ પહેલાં ગુજરાત મરીન બાયોલોજી સોસાયટીના સભ્યોએ ઓખાના દરિયામાં એક ડોલ્ફિનના ઝુંડને પકડી એની ગતિવિધિ નોંધવા તેની પુંછડી પર માઈક્રો ચીપ લગાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઝુંડ છેલ્લા બે વર્ષથી ભાવનગરના દરિયામાં વસવાટ ધરાવે છે. આ જીવ સામાન્ય રીતે ઉંડા અને પારદર્શક પાણી ધરાવતા મહાસાગરોમાં રહેવા ટેવાયેલુ છે. ખાડીમાં દરિયો ડહોળાયેલો હોઈ આવી ખાડીમાં તેઓ સામાન્યતઃ પ્રવાસ એરીયા તરીકે જ આવે છે. પરંતુ ખાડીમાં બારેમાસ પોષકતત્વોની ભરમાર અને યોગ્ય વાતાવરણ મળતા આ જીવ અહીં સ્થાયી થયા હોવાનું તેઓ અનુમાન લગાવી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં ૧૫૨ કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, જેમાં અલંગના આઠથી નવ કિલોમીટરના વિસ્તારને બાદ કરતાં ભાવનગર બંદરથી લઈને મહુવા તાલુકાના ડોળીયા ગામના સમુદ્રમાં મુક્તપણે ડોલ્ફિનોના ઝુંડ વિચરણ કરી રહ્યાં છે. એનું મહત્વપૂર્ણ કારણ એવું પણ છે કે ખાડીમાં હેવી શિપની અવરજવર ઓછી હોય છે અને આ ૧૫૨ કિલોમીટરના સમુદ્રમાં માછીમારી પણ ઓછા પ્રમાણમાં થાય છે. આથી જીજ્ઞાસુ અને સુંદર એવાં દરિયાનાં શાંતિ દૂત ડોલ્ફિનને ભાવનગરનો દરિયાકાંઠો બેહદ પસંદ પડ્યો છે. તાજેતરમાં ઘોઘા ગામના સુરેશ ગોહિલ નામના યુવાને પોતાના મોબાઈલમાં ઘોઘા જેટી પાસે તદ્દન ઓછી ઉંડાઈ ધરાવતા પાણીમાં ડોલ્ફિનનું ઝુંડ કેમેરામાં કંડાર્યું હતું. રજાનો દિવસ હોવાથી અહીં શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ફરવા આવ્યાં હતાં, જેઓ આ ડોલ્ફિનના ઝુંડને નિહાળી રોમાંચિત થયા હતા. આ સિવાય ઘોઘા પટ્ટીના ગામડાઓમાં દરિયાકાંઠે રહેતા અને નાના પાયે માછીમારી કરતાં સાગરખેડૂઓ પણ આ ડોલ્ફિનોથી અત્યંત પ્રભાવિત થાય છે અને તેઓ અવારનવાર દેખા દેતી હોવાનું સાગરખેડૂઓએ જણાવ્યું હતું.

Previous articleઆગના જોખમોથી બચવા માટે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
Next articleસિંહણ અને બે બચ્ચાના મોત થતા ડણક કુણી પડી