સિંહણ અને બે બચ્ચાના મોત થતા ડણક કુણી પડી

131

વાત જેમ જેમ બહાર આવી રહી છે તેમ તેમ સિંહ પ્રેમીઓમાં જવાબદાર સામે વધી રહ્યો છે રોષ : તળાજા પંથકમાં સાવજના વધતા વસવાટ બાદ આવી ઘટનાથી ચિંતા
તળાજા પંથકની ધરતીપર સિંહ બાળ સહિત સિંહણ ડણક દેતી હતી.તેની સાથે બે નરસિંહ પણ જોવા મળતા હતા પરંતુ છેલ્લા કેટલાંક સમયથી જે વિસ્તારમાં સિંહણ અને તેના બે બચ્ચા જોવા ન મળતા સિંહપ્રેમીઓમાં સવાલ ઉભા થવા લાગ્યા હતા કે સિંહ પરિવાર ક્યાં ગયો છે? એ સવાલના જવાબમાં એવું કારણ બહાર આવ્યું છે કે સિંહણ અને તેના બચ્ચાના મોત નિપજ્યા છે. આ ઘટનાના પગલે જવાબદારો પ્રત્યે છુપારોષની લાગણી બળવત્તર બની રહી છે. એશિયાટિક સિંહએ ગુજરાતનું ઘરેણું છે. સિંહની વસ્તીમાં વધારો થાય તે માટે કેન્દ્ર અને રાજયસરકાર કરોડો રૂપિયા વાપરી રહી છે જેને લઈ ભાવનગર જિલ્લાનું તળાજા ફોરેસ્ટ વિભાગ પણ એક સમયે અહીં કોસ્ટલ એરિયામાં સાવજની આવન જાવન અને બાદ કાયમી વસવાટ, સિંહણના ઘેર પારણું બંધાવવું અને રમતા સિંહ બાળને જોઈ ગૌરવ અનુભવતો હતો. પરંતુ આ ગૌરવ હવે હણાઈ ગયુ છે સિંહણ અને તેના બચ્ચા જે પાઠડા બની ચુક્યા હતા તેના મોતને લઈ. અહીંના મધુવન, મેથળા, વાટલીયા, રોજીયાથી લઈ છેક ઉંચડી, સખવદર સુધી સાવજ પરિવારનું વિચરણ થતું જોવા મળતું હતું. એકાદ વર્ષ પહેલાં આવેલ બે નર સાવજની જોડી અને અહીં વસવાટ કરતી સિંહણના મેટિંગને લઈ સિંહણે તળાજાની ધરતી પર બચ્ચાને જન્મ આપ્યો હતો જેને લઈ ફોરેસ્ટ વિભાગ સતત લોકેશનમાં રહેતું હતું. પરંતુ આ બધુંજ જોવા ન મળતા સિંહણ, બચ્ચા જે ઉંમરમાં મોટા થઈ રહ્યા હતા. ફોરેસ્ટ જેને પાઠડા તરીકે સંબોધે તે અને બે નરસિંહની જોડી જોવા ન મળતા ક્યાં ગયા છે તેવો જાણકાર સિંહપ્રેમીઓમાં સવાલો ઉઠવા લાગ્યા હતા. સંબધિત વિભાગમાં પણ ચણભણાટ શરૂ થયો હતો. સિંહપ્રેમીઓને આઘાત પમાડે તેવી વિગતો બહાર આવી છેકે સિંહણ અને તેના બંને બચ્ચાના મોત થયા છે. મોતના કારણમાં એવી વિગત બહાર આવી છેકે વાવાઝોડા સમયે સિંહણ પર વૃક્ષની ડાળી પડતા કમરમાં ઈજા થઈ હતી અને સિંહબાળને રોગ લાગી જતા તે બંનેના મોત થયા. સિંહ પરિવારના મોતની વાત જવાબદાર અધિકારીઓ ઘણું છાનું રાખવા માગતા હતા પરંતુ સૂરજ જેમ છાબડે ઢાંક્યો ન રહે તેમ આ વાત સિંહપ્રેમીઓમાં જવાબદારો સામે રોષ સાથે ચર્ચાનો વિષય બની છે. જે બે નર સિંહની જોડી અહીં વિચરણ કરતી હતી તે હવે ભાગ્યે જ તળાજા ફોરેસ્ટ રેન્જમાં આવે છે. તે હાલ મોટાભાગે કોટડા, દેવળીયા, કતપર વિસ્તારોમાં વિચરણ કરે છે.

Previous articleભાવનગરના ઘોઘા બંદરે સ્વદેશી ડોલ્ફિનનું વિશાળ ઝુંડ જોવા મળ્યું, ખાડીને કાયમી વસવાટ તરીકે સ્વિકારી હોવાનો તજજ્ઞોનો દાવો
Next articleસરકારી વિનયન કોલેજ ભેંસાણ મુકામે સપ્તઘારા પ્રકલ્પ અંતગૅત યોગનું આયોજન કરાયુ