રિઝર્વ બેંકે નવમી વખત રેટમાં કોઈ ફેરફાર નહીં કરીને નાણાંનીતિનો વિકાસલક્ષી અભિગમ જાળવી રાખ્યો છે અને ફુગાવાને યોગ્ય માર્ગે અંકુશમાં રાખીને અર્થતંત્રના વિકાસનો માર્ગ મોકળો રાખ્યો છે. અલબત્ત, રિઝર્વ બેંકે ઓમાઈક્રોન વાઈરસની ચિંતા વ્યકત કરી છે, જે વિકાસમાં બાધા બની શકે એવી ભીતિ પણ દર્શાવી છે. બાકી આર્થિક ગતિવિધિના મોટાભાગના સંકેતો સકારાત્મક છે અને રહેવાની આશા વધી છે. મોટાભાગના નિષ્ણાતોએ આરબીઆઈની નીતિ અને અભિગમને આવકારીને સાચી દિશાના ગણાવ્યા છે. ભારતનું અર્થતંત્ર રિઝર્વ બેંકના સંચાલન હેઠળ કેટલાંકને સંકુચિત લાગતું હોઈ શકે, કિંતુ તે નક્કર સ્વરુપે વિકાસલક્ષી છે. દેશમાં વિવિધ શહેરોમાં ખાડા અથવા સ્પિડબ્રેકર વિનાના રસ્તા આપણે ભાગ્યે જ જોયા હશે. આ અવરોધ કયાંક અને કયારેક જરૂરી પણ હોય છે તો કયારેક ગતિ અવરોધક પણ હોય છે, પણ સમતુલા માટે તેનું મહત્ત્વ ખરું. જોકે દરેક પ્રકારના પડકારોનો સામનો કરવો અને એ સાથે આગળ વધતા રહેવું એ ભારતની ફિતરત છે. કોવિડના બે જંગી આક્રમણ બાદ રિવાઈવ થઈ રહેલી આપણા દેશની ઈકોનોમીએ ગતિ ધારણ કરી લીધી છે. માનો યા ન માનો, જેમને ભારતીય અર્થતંત્રના ભાવિમાં વિશ્ર્વાસ છે તે વિકાસ પણ હાંસલ કરશે. સમગ્ર વેપાર-ઉધોગ જગત ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યું છે.
ઈકોનોમી માટે રિઝર્વ બેંકનો અભિગમ
ભારતીય અર્થતંત્રની સ્થિતી સુધરી રહી છે, તેને સતત નિરિક્ષણની જરૂર રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં-બુધવારે નાણાંનીતિમાં આ સંકેત આપવા સાથે ચાવીરુપ રેટમાં કોઈ ફેરફાર કર્યા નહોતા. રિઝર્વ બેંક કાં તો રેટ એ જ સ્તરે રાખવા માગે છે અથવા ઘટાડવા માગે છે. ૨૦૧૯ અને ૨૦૨૦, આ બે વરસમાં રિઝર્વ બેંકે તબકકાવાર વ્યાજદરમાં કુલ અઢી ટકાનો કાપ મૂકયો છે. વિકાસને વેગ આપવા રિઝર્વ બેંક કટિબદ્ધ હોવાનું પ્રતિત થાય છે. તે ફુગાવાને અંકુશમાં રાખવાનો પણ વિશ્ર્વાસ ધરાવે છે, વાસ્તવમાં આ એક પડકાર છે. તેનું લક્ષ્ય ફુગાવાના દરને ચાર ટકા સુધી લાવવાનું છે, જે હાલ તો સંભવ જણાતું નથી. હાલ તેની ધારણા ૫.૩ ટકા આસપાસ રહેવાની મુકાઇ છે. ફયુલ પર વેટના ઘટાડાની સારી અસર થશે અને ફુગાવાને ઘટાડવામાં તે કંઈક અંશે સહાય કરશે એવી આશા છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ઓમાઈક્રોન વાઈરસની ચિંતા વ્યકત કરી છે, જે એક પ્રકારની અનિશ્રિંતતા ઊભી કરશે, કિંતુ સાવચેતીનો અભિગમ આવશ્યક છે. ઓમાઈક્રોનના ભયની અસર ટ્રેડ અને ટ્રાવેલ પર થતા ઈકોનોમિક એકટિવિટીઝ પર પણ થશે, જેનો અંદાજ આગામી સમયમાં જ આવી શકશે. જોકે વરસ ૨૦૨૨ માટે રિઝર્વ બેંકે જીડીપી દર ૯.૫ ટકા રહેવાની ધારણા મૂકી છે.
ઓમાઈક્રોન સ્પીડબ્રેકર બની શકે
ભારતમાં નવા વાઈરસનો પ્રવેશ થઈ ગયો છે, હવે તે કેટલો અને કેવો ફેલાય છે એ મુખ્ય ચિંતાનો વિષય છે. આ વાઈરસનો ચેપ ઝડપથી લાગે છે, પરંતુ તે ઘાતક નથી એવા અહેવાલને કારણે ચોકકસ રાહત થઈ છે, તેમછતાં દૂધના દાઝયા છાશ ફુકીને પીએ તેમ સરકાર એલર્ટ થઈ છે. જો કે લોકો હજી બેફિકર જણાય છે, જે જોખમી બની શકે. આપણા અર્થતંત્રએ કોરોનાની બે મોટી લહેરનો સામનો કર્યો છે, ઘણું ગુમાવ્યું છે અને હવે નવેસરથી ઉદય માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે તેને ફરી પીછેહઠનો સામનો કરવો ન પડે એ એવી આશા રાખીએ. આ ગંભીરતાને ધ્યાનમાં રાખી લોકો પણ શિસ્ત પાળે અને કોરોનાના નિયમોનું યોગ્ય પાલન કરે એ ઈચ્છનીય છે.
ઈકોનોમિક રિફોર્મ્સ ચાલુ રહેશે
દેશનો આર્થિક વિકાસ દર – જીડીપી (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટસ) પ્રિ-કોવિડના સમયમાં પહોંચી ગયો છે. ભારતીય ઈકોનોમીની ગ્રોથ સ્ટોરી તેની ગતિ ધારણ કરવા લાગી છે. આર્થિક સુધારાનો દોર એકધારો ચાલુ છે. કૃષિ કાનૂનની કેટલીક જોગવાઈઓ પાછી ખેંચાવા પાછળ કયું રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળ કામ કરી ગયું એ વિવાદ, ચર્ચા કે પોલિટિકલ ખટપટમાં પડવા કરતા આર્થિક મોરચે બીજું ઘણું બધું શું થઈ રહ્યું છે તેના પર નજર કરીને સમજવા જેવું છે. સરકાર અન્ય કોઈ બાબતે આર્થિક સુધારામાં પીછેહઠ કરશે નહી. આ સુધારાનો દોર ચાલુ છે અને રહેશે. આમ પણ ચેસની રમત રમાતી હોય ત્યારે કયો ખેલાડી કઈ ચાલ કયારે ચાલશે અને તેની શું અસર થશે એ જોવા માટે લાંબી ધીરજ રાખવી પડતી હોય છે.
પોઝિટિવ ઈકોનોમિક ઈન્ડિકેટર્સ
ચાલુ નાણાંકીય વરસના જુલાઈ- સપ્ટેમ્બર કવાર્ટરમાં ૮.૪ ટકા નોંધાયેલો દેશનો જીડીપી દર ધ્યાન ખેંચે આવી બાબત છે. ઈકોનોમી રિકવરીનું આ પાયાનું ઈન્ડિકેટર ગણાય. ઉત્પાદન પ્રવૃતિ, સર્વિસ સેકટરની ગતિવિધિનો વિકાસ થઈ રહ્યો છે અને તેના સકારાત્મક આંકડા આંખે ઊડીને વળગે છે. આને સમર્થન આપતો જીએસટી કલેકશનનો આંકડો ઊભો જ છે. ઓકટોબરમાં જીએસટી કલેકશન રૂ.૧.૩૧ લાખ કરોડ થયું છે. ગ્લોબલ રેટિંગ કંપની મૂડીઝે ભારતીય બેંકોનું રેટિંગ સ્ટેબલ કર્યુ છે, જે બેંકોના સુધરતા સંજોગો અને સ્થિતિની સાક્ષી પૂરે છે. આ સાથે બેંકોની બેડ લોન્સ-એનપીએની સમસ્યાના નક્કર ઉપાય તરીકે ટુંકસમયમાં જ નેશનલ અસેટ રિક્ધસ્ટ્રકશન કંપની તેમ જ ઈન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપની કાર્યરત થઈ રહી છે, જે બેંકોનો બેડ લોન્સનો ભાર હળવો કરશે અને તેને પરિણામે બેંકોની ધિરાણ ક્ષમતા વધશે.
રિઝર્વ બેંકનો વ્યવહારૂ અભિગમ
રિઝર્વ બેંકનો અભિગમ સાવચેતીપૂર્વકનો રહેવા સાથે વ્યવહારું પણ છે, જે વ્યાજદર અને ફુગાવાના દરની યોગ્ય કાળજી લઈ રહી છે તેમ જ વૃદ્ધિ દરને પ્રોત્સાહન મળે એવા પગલાં પણ ભરી રહી છે. સિસ્ટમમાં પ્રવાહિતાને વાજબી સ્તરે રાખીને રિઝર્વ બેંક અર્થતંત્રનું જતન કરવાની જવાબદારી નિભાવી રહી હોવાનો મત દરેક સ્તરેથી વ્યકત થાય છે. કલાઈમેટની સમસ્યા અને સંજોગોને ધ્યાનમાં રાખી રિઝર્વ બેંક નીતી આયોગના સૂચનને પગલે ઈલેકટ્રિક વાહનો ખરીદવા માટેના ધિરાણને પ્રાયોરિટી સેગમેન્ટમાં મૂકવાનું વિચારે છે. દેશમાં ઈલેકટ્રિક વાહનોનું વેચાણ વધી રહ્યું છે અને ડિમાંડ વધવાનો વ્યાપક અવકાશ હોવાથી રિઝર્વ બેંકનું આ કદમ પણ સમયસરનું સાબિત થશે. લોકો નીચા વ્યાજદરે આ વાહન માટેની લોન મેળવી શકશે. નીતિન ગડકરીએ વાહનો માટે પેટ્રોલ-ડીઝલની માગ ઘટે એ હેતુ સાથે તેમની માટે ઈથિરિયમ ઉપલબ્ધ બનાવવાની વાત કરી છે, જે પેટ્રોલ-ડીઝલના ભાવને અંકુશમાં રાખવામાં કંઈક અંશે સહાયરૂપ થશે.
રિઅલ એસ્ટેટનું રિવાઈવલ શરૂ
અર્થતંત્રના મહત્ત્વના સેકટર ગણાતા રિઅલ એસ્ટેટમાં ચેતન આવવાનું શરૂ થયું છે. નવા પ્રોજેકટસ અને નવી માગ પણ દેખાવા લાગી છે. આ એક માત્ર સેકટરના રિવાઈવલની અસર સંખ્યાબંધ સેકટર પર થશે. ગ્લોબલ કંપની-સંસ્થા ગોલ્ડમેન સાશે ભારતીય સંજોગોના અભ્યાસને આધારે અહીં રિઅલ એસ્ટેટ સેકટરમાં જંગી રોકાણ કરવાનો પ્લાન ઘડયો છે. આગામી ત્રણેક વરસમાં ગોલ્ડમેન રિઅલ્ટી સેકટરમાં બે અબજ ડોલરથી વધુ રોકાણ કરે તેવા સંકેત છે. આ ઉપરાંત પણ અનેક કંપનીઓ રિઅલ્ટી સેકટરમાં ઉત્સુક બની હોવાથી વધુ રોકાણની અપેક્ષા છે. એફોર્ડેબલ હાઉસિંગમાં પણ ભારત અગ્રેસર બનતું જાય છે. હોમ લોનના નીચા વ્યાજદર રિઅલ્ટી સેકટર માટે પ્રોત્સાહક બન્યા છે.
રોજગાર સર્જનમાં હજી જોરની જરૂર
એ સ્વીકારવું પડે કે રોજગાર સર્જનમાં હજી અપેક્ષિત પરિણામ મળ્યું નહીં હોવાથી આ મામલે સરકારે ગંભીરતાપૂર્વક વધુ પ્રયાસ કરવાની જરૂર છે. જોકે જોબને સ્થાને સ્ટાર્ટઅપ્સને વેગ મળી રહ્યો છે. યુવા સાહસિકો પોતાના સાહસ સ્થાપવા સક્રિય બની રહ્યા છે, તેમને સપોર્ટ કરતા જોખમ લેનારા સાહસો પણ વધી રહ્યા છે, જેને આપણે વેન્ચર કેપિટલ કહીએ છીએ. આઈપીઓ મારફત નવું મૂડી ભંડોળ ઊભું કરવામાં કંપનીઓ સક્રિય અને સફળ બની છે. સરકાર ખાનગી અને જાહેર ક્ષેત્રની ભાગીદારી સાથે પણ નવા પ્લાન અમલમાં મૂકવા લાગી છે. એર ઈન્ડિયાનું વેચાણ તેનો મોટો પુરાવો છે, આ જ રીતે ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં પણ સરકાર ખાનગીકરણને બદલે ખાનગી ભાગીદારીને પસંદગી આપી રહી છે. જાહેર સાહસોનું મોનેટાઈઝેશન આ માટેની મહત્વાકાંક્ષી યોજના છે. દરમ્યાન દેશની નિકાસમાં નોંધાઈ રહેલી વૃદ્ધિ આવકાર્ય છે.
ઓમાઈક્રોન આફત ન બને તો બલ્લે-બલ્લે
આ સાથે સરકારે રૂ. ૩.૭૦ લાખ કરોડના વધારાના ખર્ચની તૈયારી કરી છે, જે આર્થિક ગતિવિધિને વેગ આપવામાં સહાયરૂપ થશે. માળખાંકીય સેકટર પર સરકારનું જોર સતત રહ્યું જ છે. અર્થતંત્રને વેગ આપતી બાબતમાં વપરાશ અને માગ બંને વધી રહ્યા છે. સ્થાનિક તેમ જ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહ વધતો જાય છે. ઓમાઈક્રોન આફત ન બને તો ભારતીય ઈકોનોમીને બલ્લે-બલ્લે છે, જગતની સૌથી વધુ નજર ભારત પર છે. ટેકનોલોજી વેપાર-ધંધા સહિત સમગ્ર માળખાંની તાસીર બદલી નાંખશે. ડિજિટલ ઈન્ડિયા તરફની ગતિ પણ વેગ પકડી રહી છે, જે ભારતને નવા શિખરે લઈ જશે.