ઝારખંડમાં ૨૬ જાન્યુઆરીથી પેટ્રોલ-ડિઝલ ૨૫ રૂપિયા સસ્તું

95

પેટ્રોલ-ડિઝલના ઊંચા ભાવથી વ્યવસાય પ્રભાવિત : બીપીએલ કાર્ડધારકો માટે સરકાર દ્વારા રાહત આપતી જાહેરાત, વેટ ઘટાડવાની માગની વચ્ચે સોરેનનો નિર્ણય
નવી દિલ્હી, તા.૨૯
ઝારખંડમાં નવા વર્ષથી પેટ્રોલ અને ડીઝલ ૨૫ રૂપિયા સસ્તું મળશે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને આ જાહેરાત કરી છે. જોકે, આ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ ફક્ત બીપીએલ કાર્ડધારકોને જ મળશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે, ૨૬મી જાન્યુઆરીથી ઝારખંડમાં બીપીએલ કાર્ડધારકોને પેટ્રોલ અને ડીઝલ ૨૫ રૂપિયા સસ્તું મળશે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં પેટ્રોલ ડીઝલ અસોસિએશન પણ સતત પેટ્રોલ-ડીઝલ પરના વેટ દરો ઘટાડવાની માગણી કરી રહ્યું હતું. અસોસિએશન સરકાર પાસે પેટ્રોલ પર ૫% વેટ ઘટાડવાની માગણી કરી રહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે જો સરકાર વેટનો દર ૨૨ ટકાથી ઘટાડીને ૧૭ ટકા કરી દે તો લોકોને મોટી રાહત મળશે. અસોસિએશનના કહેવા પ્રમાણે ઝારખંડના પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. તેવામાં ઝારખંડથી ચાલનારા વાહનો પાડોશી રાજ્યોમાંથી ડીઝલ ભરાવી રહ્યા છે માટે તેમને નુકસાન થઈ રહ્યું છે. અસોસિએશનના અધ્યક્ષ અશોક સિંહે જણાવ્યું કે, પેટ્રોલિયમ ડીલર્સે મુખ્યમંત્રી હેમંત સોરેનને એક ચિઠ્ઠી લખી હતી અને નાણા મંત્રીની મુલાકાત પણ લીધી હતી. ઝારખંડમાં ૧,૩૫૦ પેટ્રોલ પંપ છે જે સીધી રીતે ૨.૫૦ લાખ કરતાં વધારે પરિવારોની આજીવિકા સાથે સંકળાયેલા છે અને વેટના ઉંચા દરોના કારણે વ્યવસાય પ્રભાવિત થઈ રહ્યો છે.

Previous articleભારતમાં કોરોનાના કેસમાં મોટો વધારો થવાની શક્યતા
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૯૫ નવા કેસ નોંધાયા