કોરોનાના કેસનો આંકડો બે દિવસમાં બમણો થઈ ગયો

101

બીજી લહેર કરતા વધુ ઝડપે વધતું કોરોનાનું સંક્રમણ : બીજી લહેર દરમિયાન દૈનિક કોરોનાના કેસમાં સૌથી મોટો ૩૫ ટકાનો ઉછાળો ૩૧ માર્ચના રોજ નોંધાયો હતો
નવી દિલ્હી, તા.૩૦
બુધવારે ભારતમાં કોરોનાના નવા ૧૩,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે, આ સાથે એક દિવસ પહેલા નોંધાયેલા કેસ કરતા બુધવારે ૪૪%નો ઉછાળો નોંધાયો છે. માત્ર બે જ દિવસમાં દૈનિક કેસનો આંકડો બમણો થઈ ગયો છે. પાછલા વખત કરતા આ વખતે કેસ ઝડપથી ઊંચા જઈ રહ્યા છે. ગુજરાતમાં પણ બુધવારે કોરોનાના ૨૪ કલાકમાં નોંધાયેલા કેસનો આંક ૫૦૦ને પાર કરી ગયો છે જ્યારે અમદાવાદ આંકડો ૨૫૦ને પાર ગયો છે. બુધવારે મોડી રાત સુધીમાં ભારતમાં ૧૩,૧૫૫ નવા કેસ નોંધાયા છે, જોકે તેમાં ૨ રાજ્યોના આંકડા આવવાના બાકી છે. મંગળવારે દેશમાં કુલ ૯,૧૫૫ કેસ નોંધાયા છે, જેમાં કોવિડ ડેટા પ્રમાણે સોમવાર (૬,૨૪૨) કરતા ૪૭%નો ઉછાળો નોંધાયો છે.પાછલા બે દિવસમાં ૪૦% કરતા વધુનો ઉછાળો નોંધાયો છે, જોકે, મંગળવારે નોંધાયેલા ઉછાળા કરતા બુધવારનો ઉછાળો સામાન્ય નીચો રહ્યો છે. બીજી લહેર દરમિયાન દૈનિક કેસમાં સૌથી મોટો ૩૫%નો ઉછાળો ૩૧ માર્ચના રોજ નોંધાયો હતો. પાછલા અઠવાડિયા સુધી જે આંકડો ઘટતો જઈ રહ્યો હતો તેમાં તેજી નોંધાઈ છે અને નવા કેસોમાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. દેશના ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. , જેમાંથી ઉત્તરપૂર્વના રાજ્યો બાકાત છે. કેરળ પાછલા અઠવાડિયાની સરખામણીમાં અપવાદ રહ્યું છે આ સિવાય બાકી રાજ્યોમાં નવા કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક દિવસમાં ૩,૯૦૦ કેસ નોંધાયા છે, જ્યારે અહીં મંગળવારે નોંધાયેલા ૨,૧૭૨ કરતા લગભગ બમણો આંકડો પહોંચી ગયો છે. રાજ્યમાં ૧૧૦ દિવસ પછી આટલા બધા કેસ નોંધાયા છે, જ્યારે મુંબઈમાં બુધવારે ૨,૪૪૫ નવા કેસ નોંધાયા છે. જે આ મહિનામાં કોઈ પણ શહેરમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં ૭ જૂન પછી પહેલીવાર આટલા ઊંચા કેસ એક દિવસમાં નોંધાયા છે. ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વિસ્ફોટ થયો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૫૦૦ને પાર પહોંચી ગયા છે. બુધવારે રાજ્યમાં કોવિડ-૧૯ના ૫૪૮ કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે અને ૬૫ દર્દીઓ સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં ૨૬૫ કેસ નોંધાયા છે.

Previous articleઓમિક્રોન વેરિયન્ટ સામે વેક્સિન અસરકારક, રસી લેવાની સલાહ
Next articleઓમિક્રોન સ્ટ્રેનને અલગ કરવામાં લેબને સફળતા