બે અઠવાડિયામાં સમજવાની કોશિશ કરાશે કે કોવિશિલ્ડ-કોવેક્સિન ઓમિક્રોન સામે કેટલી સફળ સાબિત થાય છે
નવી દિલ્હી, તા.૩૦
કોરોના વાયરસના ડેલ્ટા કરતા હળવા પણ ઝડપથી લોકોને સંક્રમિત કરતા ઓમિક્રોનના કારણે ફરી એકવાર દેશ અને દુનિયામાં વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. આવામાં ભારતમાં વાયરસને કાબૂમાં લેવા માટે રાજ્યો દ્વારા જરુરી નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે. લોકોને રસીકરણ માટે પણ આગળ આવવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે ભારતને એક મોટી સફળતા મળી છે. ભારતને સાર્સ-કોવ-૨ જીનોમીક્સ કન્સોર્શિયા આઈએનએસીઓજીએ તાજા બુલેટિનમાં માન્યું છે કે ઓમિક્રોન રસી કે સંક્રમણ પછી બનેલી રોગ પ્રતિકારક શક્તિને ભેદવા માટે સક્ષમ છે. જ્યારે, પુણેની આઈસીએમઆર-એનઆઈવીને ઓમિક્રોન સ્ટ્રેનને અલગ કરવામાં સફળતા મળી છે. જેના કારણે હવે એન્ટિબોડીને ભેદવા માટે ઓમિક્રોન કેવી ચાલ ચાલે છે તે રિસર્ચ દ્વારા સમજી શકાશે. આઈસીએમઆરે જણાવ્યું છે કે, કોરોના વાયરસ ઓમિક્રોન વેરિયન્ટ પોતાના તમામ મ્યુટેન્ટને અલગ કરી દેવાયા છે. આ મોટી સફળતા છે જેનાથી રસીની અસરનો અભ્યાસ કરી શકાશે. અમે આગામી બે અઠવાડિયામાં એ સમજવાની કોશિશ કરીશું કે કોવિશિલ્ડ અને કોવેક્સિન ઓમિક્રોન સામે કેટલી સફળ સાબિત થાય છે.આ ક્રમમાં એક મહત્વપૂર્ણ સવાલનો જવાબ મળ્યો છે કે, જે લોકોમાં કોરોનાના જૂના વેરિયન્ટથી એન્ટીબોડી બની હોય, તેમના પર ઓમિક્રોનની અસર થશે? એક અધિકારીએ જણાવ્યું, વાયરસને અલગ કરવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અને આ રિસર્ચની દિશામાં પહેલું પગલું છે. હવે અમે કોવિશિલ્ડ અને કોવેક્સીનની સાથે કોરોના સંક્રમણથી બનેલી એન્ટીબોડીની અસરનો પણ અભ્યાસ કરી શકીશું. રિસર્ચમાં એ વાત પણ જાણી શકાશે કે ઓમિક્રોન વેક્સીનથી બનેલી એન્ટી બોડીની સરખામણીમાં સંક્રમણથી બનેલી એન્ટીબોડીને ભેદવામાં કેટલો સક્ષમ છે. સામાન્ય રીતે સંક્રમણ પછી વ્યક્તિમાં આખા વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા પેદા થઈ જતી હોય છે, નહીં કે સ્પાઈક જેટલા કેટલાક ભાગમાં.. આ કારણે એક્સપર્ટ્સને લાગે છે કે વાયરસના મ્યુટેશન એન્ટીબોડીને ભેદવામાં સક્ષમ નહીં હોય. કોરોના મહામારી માટે જવાબદાર સાર્ક-કોવ-૨ના સ્પાઈક પ્રોટીનમાં ૧,૨૭૩ એમીનો એસીડ છે જે પ્રતિકાર ક્ષમતાને ઉશ્કેરે છે. નવા ઓમિક્રોન વેરિયન્ટના સ્પાઈક પ્રોટીનમાં રહેલા ૩૨ એમીનો એસિડમાં બદલાવ થયો છે. માટે ઓમિક્રોન સામે રસી મોટાભાગે સફળ રહેવાની સંભાવના છે. ઈન્સાકૉગે પણ આ વાત માની છે કે ઓમિક્રોન એન્ટીબોડીથી યુક્ત લોકોને પણ સંક્રમિત કરવા માટે સક્ષમ છે, પરંતુ તે ગંભીર લક્ષણ ઉભા કરવા માટે સક્ષમ નથી. ઈન્સાકૉગે દુનિયાભરમાંથી એકઠા કરેલા આંકડાને ટાંકીને જણાવ્યું કે, “શરુઆતના આકલનોમાં ઓમિક્રોનથી થતી બીમારીનો દર પહેલા આવેલી લહેરની સરખામણીમાં હળવો દેખાઈ રહ્યો છે. જોકે, નબળા, રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય અને ઘરડા હોય તેવા લોકોને ઓમિક્રોન કેટલી હદ સુધી પ્રભાવિત કરશે તે અંગે હજુ સુધી સંપુર્ણ રીતે સ્પષ્ટ નથી થયું. માટે ખતરાનું સ્તર હજુ પણ વધુ છે.