ભાવનગર જિલ્લામાં 70 વર્ષ બાદ ચિલોત્રા પક્ષી જોવા મળ્યું,

464

પાલિતાણા તાલુકાના મેઢા ગામના વાડી વિસ્તારમાં ચિલોત્રા પક્ષી દેખાયું
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું ચિલોત્રા નામનું પક્ષી એક સમયે ભાવનગરમાં પણ સામાન્ય રીતે જોવા મળતું હતું. પરંતુ તેનાં શિકાર અને મોટાં વૃક્ષોનાં નિકાંદનના પગલે ચિલોત્રો ભાવનગર અને પછીથી સમગ્ર સૌરાષ્ટ્ર માટે પણ દુર્લભ બની ગયું. ખાસ કરીને તેના માળા માટે અનુકૂળ જગ્યા ન મળવાથી સૌરાષ્ટ્રમાંથી તે નામશેષ થઈ ગયાં. હવે 70 વર્ષ બાદ ભાવનગર જિલ્લાનાં પાલીતાણા તાલુકાના મેઢા ગામના વાડી વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ કરતી વખતે પ્રકૃતિવિદ્દ શિક્ષક રોનિત વસાણી દ્વારા આ પક્ષી જોવામાં આવ્યું અને તેને કેમેરામાં કંડારી લેવામાં આવ્યું.

ચિલોત્રો કે જેને અંગ્રેજીમાં Grey hornbill કહે છે, તે રાખોડી રંગનું અને કાગડાથી સહેજ મોટું પક્ષી હોય છે. તેની ચાંચ ઉપરના ભાગમાં આવેલી શિંગડાં જેવી વિશિષ્ટ રચનાને કારણે તેને અંગ્રેજીમાં હોર્નબીલ કહે છે. આ પક્ષી મુખ્યત્વે ફળો અને જીવાતો આરોગે છે અને સામાન્ય રીતે વધુ વૃક્ષો હોય તેવા વિસ્તારમાં જોવા મળે છે. ચિલોત્રાનાં અણધાર્યાં આગમનથી પક્ષીપ્રેમીઓમાં ખુશીની લાગણી અનુભવાઇ છે. અત્રે એ પણ નોંધનીય છે કે, ફરિયાદકા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રકૃતિપ્રેમી પ્રવીણ સરવૈયા દ્વારા પણ ગીરમાં પ્રથમ વખત લાલ પૂંછડીવાળા કસ્તુરા Rufous Tailed Rock Thrush નામનાં પંખીની નોંધ લેવાઈ છે, જે વિરલ ઘટના છે.

Previous articleતમામ રાજકીય પક્ષોએ નિર્ધારિત સમયે ચૂંટણી કરાવવા પર ભાર મૂક્યો : મુખ્ય ચુંટણી કમિશ્નર
Next articleભાવનગર મનપાના પોણા પાંચ કરોડના પાણી પુરવઠાના વિવિધ કામોનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું