ભાવનગર શહેરમાં 15 કિમીની ઝડપે પવન ફૂંકાતા ફરી તીવ્ર ઠંડી, તાપમાનનો પારો ગગડ્યો

119

આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિઝીટમાં નોંધાય એવી શક્યતા વધી
ભાવનગરમાં સતત ત્રણ દિવસથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્રણ દિવસમાં 14-15 કિમીની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગઇકાલે ગુરૂવારે સાંજથી ફરી બર્ફીલા પવનો ફૂંકાવાનુ શરૂ થતાં તાપમાનનો પારો ફરી ગગડ્યો છે. મોડી રાતથી સવાર સુધી કોરોના સાથે કુદરતે પણ સંચારબંધી જાહેર કરી હોય એવો માહોલ સર્જાયો હતો. આ વર્ષે ભાવનગરમાં શિયાળાની સિઝન દરમિયાન ઠંડી રેકોર્ડ તોડે એવી સંભાવના પ્રબળ બની રહી છે. નવેમ્બર માસના ઉતરાર્ધથી શરૂ થયેલી ઠંડી ક્રમશઃ વધતી જતી રહી છે અને હવે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિઝીટમાં નોંધાય એવી શક્યતા વધી રહી છે. છેલ્લા ત્રણ સપ્તાહથી ઠંડીએ ગોહિલવાડને બાનમાં લીધું હોય એમ લાગી રહ્યું છે. જેમાં ગત ત્રણ દિવસ સુધી અંશતઃ ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું, જેથી લોકોને થોડાઘણા અંશે રાહત થઈ હતી. એ સાથે એમ લાગી રહ્યું હતું કે એકાદ સપ્તાહ સુધી આવો માહોલ અકબંધ રહેશે. પરંતુ લોકોની આ આશા પર “ઠંડી” ફરી વળી હતી. નોંધનીય છે કે ગત મંગળવારે રાત્રે શહેરને ધુમ્મસે આગોશમાં લીધું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. પરંતુ સવાર થતાં જ પૂર્વોત્તર દિશામાંથી બર્ફીલા પવનો 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાનુ શરૂ થતાં વાતાવરણ પુનઃ ઠંડુ થઈ ગયું હતું. બુધવારે સાંજથી શરૂ થયેલા તીવ્ર પવનને પગલે ગઈકાલે આખી રાત પણ તીવ્ર ઠંડી અકબંધ રહી હતી અને સવારે પણ પવનની ઝડપ અકબંધ રહેતા લોકો ઠંડીથી થરથર ધ્રુજ્યા હતા. ઉલ્લેખનીય છે કે લોકોને ઘરની બહાર નીકળતા પૂર્વે ગરમવસ્ત્રોમાં સજ્જ થઈને નીકળવાની ફરજ પડી રહી છે.

Previous articleભાવનગર મનપાના પોણા પાંચ કરોડના પાણી પુરવઠાના વિવિધ કામોનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
Next articleભાવનગરની SOGએ રીઢા ગુનેગાર બાદશાહને રિવોલ્વર તથા જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો