ભાવનગરના સિનિયર પત્રકાર અને અભ્યાસુ લેખક એવા હિંમતભાઈ ઠક્કરનું આજે ટૂંકી બીમારી બાદ અવસાન થતાં માત્ર ભાવનગર શહેર જ નહીં પરંતુ ગોહિલવાડ અને સૌરાષ્ટ્રના પત્રકારત્વ ક્ષેત્રે મોટી ખોટ પડી છે. હિંમતભાઈ થોડા દિવસ પૂર્વે અચાનક ઘરમાં જ પડી જતાં તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા જ્યાં આજે સવારે તેમનું અવસાન થતાં તેમની અંતિમયાત્રા શહેરના પત્રકારો તેમના સ્નેહીજનો અને સગાસંબંધીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.હિંમતભાઈ ઠક્કર છેલ્લા ૫૦થી વધુ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા હતા. યુવા વયથી જ પત્રકારત્વમાં તેમણે કારકિર્દી શરૂઆત કરી હતી અને ભાવનગર શહેરના અખબારો જ નહીં પરંતુ પ્રાદેશિક અને રાજ્યકક્ષાના મોટા અખબારોમાં પણ તેમણે સિનિયર જર્નાલિસ્ટ, નિવાસી તંત્રી, સંપાદક તરીકેની જવાબદારીઓ નિભાવી હતી. ખાસ કરીને રાજકારણમાં તેમનો અભ્યાસ અને માહિતી સચોટ ગણાતી અને રાજ્યભરમાંથી પત્રકારો તે મને ફોન કરી અને માહિતી મેળવતા. તેમની આંકડાકીય માહિતી અને તવારીખો એટલી સચોટ રહેતી કે પત્રકારો તેમના દ્વારા પ્રાપ્ત વિગતોને બિન્દાસ્ત પ્રસ્તુત કરી શકતા. માંદગી હોય કે પછી પોતે બહારગામ હોય પોતાની કોલમ પોતાના લેખ સમયસર મળી જાય તે માટે તેઓ સતત જાગૃત રહેતા અને એક પણ દિવસ અખબારના તંત્રીને મુશ્કેલી ન પડે તેમની તેને સતત ચિંતા રહેતી. ખુબ જ સાલસ સ્વભાવ, મિલનસાર વ્યક્તિત્વ અને ગમે તેવી મુશ્કેલીમાં પણ લડી લેવાની હામ ધરાવતા હિંમતભાઈ ઠક્કરનું અવસાન થતાં પત્રકારત્વ ક્ષેત્રે મોટી ખોટ પડી છે.