દેશમાં વધતો જતો કોરોનાનો કહેર : જો ત્રણ દિવસની વાત કરવામાં આવે તો સોમવારથી કોરોનાના દૈનિક કેસની સંખ્યા ૨.૬ ગણી વધી ગઈ
નવી દિલ્હી,તા.૩૧
ગુરુવારે નોંધાયેલા કોરોના સંક્રમણના નવા ૧૬,૭૦૦ જેટલા કેસ સાથે દેશમાં સતત ત્રીજા દિવસે કોવિડ -૧૯ કેસ વધી રહ્યા છે, જે પાછલા દિવસની સંખ્યા કરતા ૨૭% વધુ છે. જો ત્રણ દિવસની વાત કરવામાં આવે તો સોમવારથી દૈનિક કેસની સંખ્યા ૨.૬ ગણી વધી ગઈ છે. ગુરુવારે મોડી રાત સુધીમાં ભારતમાં ૧૬,૬૯૫ નવા કેસ નોંધાયા હતા, જેમાં કેટલાક રાજ્યોના ડેટા હજુ આવવાના બાકી છે. ૨૦ ઓક્ટોબરના રોજ ૧૮,૩૮૮ કેસ નોંધાયા પછી પાછલા ૭૧ દિવસમાં એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. ગુરુવારનો ફાઈનલ આંકડો તો ૧૬,૭૦૦થી વધુ થવાની ધારણા છે, જે બુધવારે સામે આવેલા ૧૩,૧૮૦ નવા કેસ કરતાં ૨૭% વધારે છે. સોમવારથી માત્ર ત્રણ દિવસમાં કેસમાં નાટ્યાત્મક વધારો જોવા મળ્યો છેય પહેલા દિવસે સોમવારે જ્યારે ૬,૨૪૨ નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે નવા કેસમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ જેવા મોટા મહાનગરોમાં સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કેરળ અને ઉત્તરપૂર્વના રાજ્યો સિવાય મોટાભાગના રાજ્યોમાં કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં નવા કેસમાં લગભગ ૪૦% નો વધારો નોંધાયો છે. ગુરુવારે ૫,૩૬૮ નવા કેસ સામે આવ્યા હતા. તેમાંથી ૩,૫૫૫ કેસ તો એકલા મુંબઈમાંથી આવ્યા હતા. જેમાં બુધવારથી અત્યાર સુધીમાં ૪૫% જેટલો વધારો થયો છે. આ વધારો એટલા માટે પણ ચિંતાજનક છે કે આ વર્ષે ૫ મે પછી મુંબઈના દૈનિક કેસનો આંકડો નવો આંકડો સૌથી વધુ છે. બંગાળમાં કોરોના કેસમાં ઉછાળો વધુ તીવ્ર છે. રાજ્યમાં કોવિડ કેસ એક દિવસમાં લગભગ બમણા થઈ ગયા છે. બુધવારે ૧,૦૮૯થી વધીને ૨,૧૨૮ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ વધારો કોલકાતામાં ૧૦૨% વધ્યો છે. અહીં એક જ દિવસમાં નવા કેસ ૫૪૦ થી વધીને ૧,૦૯૦ થઈ ગયા છે. તો દિલ્હીમાં પણ બુધવારના ૯૨૩ થી ગુરુવારે વધીને ૧,૩૧૩ નવા કેસ નોંધાયા છે. જ્યારે કેરળમાં ૨,૪૨૩ કેસ નોંધાયા છે, જે મહારાષ્ટ્ર પછી બીજા નંબરની સૌથી વધુ સંખ્યા છે. જોકે રાજ્યમાં મહામારી સતત ઓછો થઈ રહી હોય તેવું આંકડા કહી રહ્યા છે. કારણ કે આ અઠવાડિયાની સંખ્યા ગયા સપ્તાહના દિવસો કરતા ઓછી છે. જોકે, કેરળના પડોશી રાજ્યોમાં નવા કોરોના કેસની સંખ્યા વધી રહી છે. તમિલનાડુમાં ૮૯૦ નવા કેસ નોંધાયા છે. જે ૪ નવેમ્બર પછી રાજ્યમાં સૌથી વધુ છે. કર્ણાટકમાં ૨૬ સપ્ટેમ્બર પછી એક દિવસમાં સૌથી વધુ ૭૦૭ કેસનો વધારો થયો છે. અન્ય રાજ્યો જ્યાં કોવિડના નવા કેસની સંખ્યામાં બુધવારથી તીવ્ર ઉછાળો આવ્યો છે તેમાં રાજસ્થાન (૯૨%), બિહાર (૭૧%), પંજાબ (૬૭%), ઉત્તર પ્રદેશ (૬૪%), ગોવા (૫૪%), મધ્ય પ્રદેશ (૫૦%), છત્તીસગઢ (૪૨%), ઝારખંડ (૪૦%) અને હરિયાણા (૩૮%) નો સમાવેશ થાય છે. . આ તમામ રાજ્યોમાં, દૈનિક કેસ હજુ પણ ૫૦૦ ની નીચે છે. આ રાજ્યોમાં સૌથી વધુ સંખ્યા ઝારખંડમાં છે. જ્યાં ગુરુવારે ૪૮૨ નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી મૃત્યુ મામલે દેશમાં ૭૩ મોત થયા છે જે સતત સાતમા દિવસે ૧૦૦ના આંકની નીચે રહ્યા. જો કે, જૂના કોરોના મોતના આંકડા ઉમેરવામાં આવ્યા હોવાથી કુલ સંખ્યામાં ૨૨૨નો વધારો થયો છે.