કપડાં પર GST ૫ ટકા યથાવત રાખવા કાઉન્સિલનો નિર્ણય

97

જીએસટી કાઉન્સિલની બેઠકમં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો : રાજ્ય સરકારો અને ટેક્સટાઇલ ઇંડસ્ટ્રી જીએસટી રેટ વધારવાનો વિરોધ કરતા કાઉન્સિલે નમતું જોખ્યું : ફુટવેર પરનો ટેક્સ યથાવત રખાયો
નવી દિલ્હી, તા.૩૧
જીએસટી કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે ટેક્સટાઈલ પર લાદવામાં આવેલા ૧૨ ટકા નવા જીએસટી રેટને પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ગુજરાત દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા સિંગલ એજન્ડાને લઈને આજે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં નિર્ણય કરવામાં આવ્યો કે ૧ જાન્યુઆરીથી કાપડ પર લાગુ થનાર નવા જીએસટી દર ૧૨ ટકાની જગ્યાએ હવે ફરી જૂના દર ૫ ટકા જ લાગશે. જીએસટી કાઉન્સિલની આ પહેલાની બેઠકમાં ટેક્સટાઈલ અને જૂતા ચંપલ પર જીએસટી રેટ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ ૧ જાન્યુઆરીથી દર ૫ ટકા ટેક્સની જગ્યાએ ૧૨ ટકા ટેક્સ થવા જઈ રહ્યો હતો. જોકે ૩૦ ડિસેમ્બરના રોજ અનેક રાજ્યોએ ટેક્સટાઈલ પર વધારવામાં આવેલા જીએસટી દર અંગે વિરોધ દર્શાવ્યો હતો અને કાપડ પર જીએસટી ૫થી ૧૨ ટકા કરવાના નિર્ણયને સ્થગિત કરવા અંગે માગણી કરી હતી. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણના અધ્યક્ષ સ્થાને બજેટ પહેલા મળેલી જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં ગુજરાત, પ.બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને તામિલનાડુ સહિતના રાજ્યોએ ૧ જાન્યુઆરીથી જીએસટીની ટકાવારી વધારવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. ગુજરાત દ્વારા પ્રસ્તાવિત સિંગલ એજન્ડાને લઈને મળેલી જીએસટી કાઉન્સિલની ૪૬મી બેઠકમાં આખરે કાપડ પર જીએસટી વધારવાના નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો હતો. કારણ કે જુદા જુદા રાજ્યોમાં અનેક ટેક્સટાઈલ એસોસિએશન અને વેપારી મંડળો દ્વારા પણ આ દર વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સરકાર દ્વારા તેમની માગણી ધ્યાને રાખવામાં આવી હતી જોકે બૂટ-ચપ્પલ મામલે જીએસટી કાઉન્સિલ તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. તેમજ વધારવામાં આવેલા ટેક્સને ન તો પાછો લેવામાં આવ્યો છે ન સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ બેઠક જાન્યુઆરીમાં થવાની હતી. જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં રુ. ૧૦૦૦થી નીચેના રેડીમેડ કપડાં અને શૂઝ પર ટેક્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આજની મીટીંગમાં રેડીમેઈડ ગાર્મેન્ટ પરનો વધેલો ટેક્સ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. પરંતુ એક હજારથી નીચેના જૂતા અને ચપ્પલ પર ૧ જાન્યુઆરીથી પાંચના બદલે ૧૨ ટકા ટેક્સ લાગશે. ગુજરાતના ટેક્ષટાઈલ વેપારીઓએ કાપડ ઉપર જીએસટીના વધારાનો વિરોધ કર્યો હતો. ગુરુવારે સરકારના નિર્ણયના વિરોધમાં અમદાવાદના ૫૦૦૦૦ કાપડના દુકાનદારો ૧૦૦થી વધુ કાપડ માર્કેટ અને મહાજન સાથે સંકળાયેલા વેપારીઓ, પ્રોસેસ હાઉસ સંચાલકો, રેડીમેડ ગારમેન્ટના વેપારીઓએ બંધ પાળ્યો હતો. બપોરે ૧૨ વાગ્યે તમામ વેપારીઓ અને દુકાનદારો પોતપોતાની પેઢી કે દુકાન આગળ તથા માર્કેટ આગળ જીએસટીના કાળા કાયદાના વિરોધ કરતાં બોર્ડ સાથે મૌન વિરોધમાં જોડાયા હતા. સુરત, રાજકોટ, વડોદરા સહિત દેશભરના તમામ શહેરોમાં ૧૨ ટકા જીએસટીના વિરોધમાં કાપડના વેપારીઓ એકસાથે રોડ પર ઉતરી આવતા સરકાર ચિંતિત બની હતી. કાપડ પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં નહીં આવે તો ૧લી જાન્યુઆરીથી કોઈ વેપારી ૧૨ ટકા જીએસટી સાથેનું બિલ બનાવશે નહીં તેવો નિર્ધાર પણ કરવામાં આવ્યો હતો.

Previous articleમહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી દેશમાં પહેલું મોત
Next articleશહેરના વડવા વિસ્તારના મકાનમાંથી તસ્કરો રૂ. 50 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર, સમગ્ર ઘટના cctvમાં કેદ