પરિણીતા સાથે બે યુવકોને પ્રેમ સંબંધ થતા એક યુવકે બીજાની હત્યા કરી હતી
ભાવનગર શહેરની એક પરિણીતા સાથે બે પ્રેમીઓને પ્રેમસંબંધ બંધાતા એક પ્રેમીએ બીજા પ્રેમીને સાગરીતોની મદદ વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દિધો હતો. આ કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલતા હત્યારા શખ્સને જજે આજીવન કેદની સજા ફટકારી હતી. આ સમગ્ર બનાવ અંગે ભાવનગર કોર્ટ પરિસરથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલા ઠાકર દ્વારા નજીક રહેતી પરિણિતા સાથે સંજય ધનજી મેર તથા મેહુલ ઉર્ફે કાનો સોંડા બાબરીયાને પણ પરણીતા સાથે આંખ મળેલી હોય આથી એક ફૂલ દો માલી જેવી પરિસ્થિતિમાં બંને પ્રેમીઓ એક પ્રેમીકાને પામવા અવારનવાર ઝઘડતા હતાં. આ દરમિયાન મેહુલ ઉર્ફે કાના એ કાવતરું રચી મૃતક સંજય મેરને જ્વેલ્સ સર્કલ નજીક બોલાવી મેહુલે તેના મિત્રો ગોવિંદ સારા ડાંગરની મદદ વડે ઈસ્કોન રોડપર લઈ જઈ ઝઘડો કર્યો હતો. જે બાદ મેહુલ ઉર્ફે કાનાએ છરીના ઘા ઝીંકી સંજય મેરની હત્યા કરી નાસી છુટ્યો હતો. જે અંગે ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદ બાદ આરોપીઓની ધડપકડ બાદ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલતા ન્યાયમૂર્તિ આર.ટી વચ્છાણીએ દસ્તાવેજી પુરાવાઓ લેખિત મૌખિક જુબાની સાથે સરકારી વકીલ વિપુલ દેવમોરારીની તર્કબદ્ધ દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી મેહુલ ઉર્ફે કાનો સોંડા બાબરીયાને આજીવન કેદ સાથે રૂપિયા ૩૦ હજારનો દંડ ફટકાર્યો હતો. તથા આ હત્યામાં મદદગારી કરનારા ગોવિંદને નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો હતો.