ભાવનગરની મહિલાને કારમાં લીફ્ટ આપીને વાતોમાં લઇ સોફ્ટડ્રિંકમા કેફી પદાર્થ ભેળવી પીવડાવી બેભાન કરી સોનાના દાગીના તથા રોકડ રકમની લૂંટ ચલાનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ લૂંટની ઘટનામાં કાર ચાલક મહિલાને નાળામા ફેંકી નાસી છુટ્યો હતો. જેથી મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. શહેરના ઘોઘા રોડપર શિતળામાતાના મંદિર પાસે રહેતી અને જેતે સમયે કેટરીંગમા કામ કરતી મહિલા અન્ય મહિલાઓ સાથે કેટરીંગ કામેથી પરત ફરી રહી હતી. તે વેળાએ આરોપી હાજી ઉર્ફે મંજૂર હસન સમા (રહે.મૂળ અઘોઈ ગામ તા. ભચાઉ જિ.કચ્છ હાલ કેશાના ગામ તા.સાંગાનેર જિ.જયપુર રાજસ્થાન) વાળાએ મહિલાઓને કારમાં લીફ્ટ આપી મહિલાને વાતોમાં ભોળવી પોતાના સાળાના ઘરે દિકરો જન્મ્યો છ. તેમ જણાવી તેની ખુશીમાં હું તમને સોડા પીવડાવુ તેમ કહી કોઈ સોફ્ટડ્રિંકમા કેફી પદાર્થ ભેળવી મહિલાને પીવડાવ્યું હતું. કેફી પીણું પિવડવતાં મહિલા બેભાન થઈ ઢળી પડતા હાજી ઉર્ફે મંજૂરે મહિલાના શરીર પરથી ૧ લાખ ૮૫ હજારના દાગીના તથા ૩૫૦૦ રોકડા મળી કુલ રૂ.૧ લાખ ૮૮ હજાર ૫૦૦ના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ કારમાં બેભાન હાલતે લાવી તળાજા તાલુકાના શોભાવડ ગામ પાસે નાળામાં ફેંકી દીધી હતી. આ બનાવમાં શ્રમજીવી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ ઘટનાને અંજામ આપી આરોપીએ સોનાના દાગીના રાજકોટના જીજ્ઞેશ હરકિશન ચીતલીયાને આપ્યાં હતાં. આ આરોપી હાલમાં નાસતો ફરતો હોય આ અંગે નોંધાયેલ પોલીસ ફરિયાદના અંતે આરોપી હાજી ઉર્ફે મંજૂરની ધડપકડ બાદ કેસ ભાવનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલતા જજ આરટી વચ્છાણીએ આરોપી હાજીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે નાસતા ફરતા સોની શખ્સને રૂપિયા ૬૦ હજારનો દંડ ફટકાર્યો હતો.