તાજેતરમાં રાજ્યકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી જેમાં સ્પીડ દોડની સ્પર્ધામાં ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય ઇલેક્ટ્રીશ્યન લાલજીભાઇ બી.ગોહેલે આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ભાવનગર શહેરનું ગૌરવ વધાર્યું છે અને રમત-ગમત ક્ષેત્રે અભુતપૂર્વ સિદ્ધી પ્રાપ્ત કરી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધા દ્વારકામાં ગત તા.૨૮ અને ૧૭ના રોજ ગુજરાત રાજ્ય માસ્ટર એથ્લેટીક્સ એસોસીએશન તથા રાજકોટ જિલ્લાના રૂરલ એથ્લેટીક્સ એસોસીએશન ટ્રસ્ટ દ્વારા દ્વારકામાં મ્યુનીસીપલ આર્ટસ એન્ડ કોમર્સના ગ્રાઉન્ડમાં ૩૯મી એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ૩૫ થી ૯૦ વર્ષની વયના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સ્પીડ દોડમાં જોમ અને જોશ દાખવી ભાવનગરના લાલજીભાઇએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ લાલજીભાઇ નાશિક તથા બેંગ્લોરમાં રમાયેલી નેશનલ દોડ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત અત્યાર સુધીમાં લાલજીભાઇએ શહેર જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઇ ભાવનગરનું ગૌરવ વધારેલ છે. આગામી જાન્યુઆરી ૨૦૨૦માં કેરેલા ખાતે યોજાનાર નેશનલ સ્પર્ધામાં લાલજીભાઇ ગોહેલ ભાગ લેશે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.